રાજાની કુંવરીની માફક વધતી મોંઘવારી લોકોને પરેશાન કરી રહી છે ત્યાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી લોકોની આંખમાં પાણી લાવી દેશે. ડુંગળીના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે. ડુંગળીના ઓછા પાકને લીધે કિલોએ રૂપિયા 20નો વધારો થતા ભાવ રૂપિયા ૪૫ થઈ ગયો છે.
છેલ્લા ઘણા સમયથી લીલા શાકભાજીના ભાવમાં 35 થી 50 ટકાનો વધારો થતા હવે ગરીબ અને મધ્યમ વર્ગને શું ખાવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. સામાન્ય દિવસોમાં રૂપિયા 34ના કિલો લેખે મળતી ખાંડના ભાવમાં રૂપિયા 6 વધી જતા હાલ રૂપિયા 40ની કિલો થઈ ગઈ છે. જયારે મોટા દાણાની ખાંડનો ભાવ કિલોએ રૂપિયા 42 થી 44 થઈ ગયા છે.
બીજી તરફ ગુજરાતી થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થયા છે. વધુ પડતા વરસાદને લીધે શાકભાજીની ઓછી આવકના કારણે ભાવો આસમાને પહોંચી ગયા છે. આમ છતાં લોકો લૂંટાય છે અને તંત્ર તમાશો જુએ છે. જમાલપુર શાકમાર્કેટમાં ઓછા ભાવે શાકભાજી મળે છે પરંતુ તેના બમણાં ભાવ સેમી હોલસેલ માર્કેટમાં વસૂલાતા હોઈ શાકભાજીના વેપારીઓએ સિન્ડિકેટ રચી ભાવ વધારાનો કારસો કર્યાનું લોકો માની રહ્યા છે.
ગૃહિણીઓ શાકભાજી ખરીદતી વખતે કકળાટ કરી રહી છે કે મોંઘવારી આકરી પડે છે પણ તંત્ર કંઈ કરતું નથી. મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી. જેના લીધે શાક ઓછું લાવીને ખાવાનો વારો આવ્યો છે. હોટેલ-રેસ્ટોરન્ટમાં ફિક્સ થાળીમાંથી લીલા શાકભાજીને બદલે સસ્તા કઠોળ અથવા સસ્તા મિક્સ શાક પીરસવામાં આવી રહ્યા છે. શહેરની કેટલીક હોટેલોમાં ફિક્સ થાળીના ભાવો વધારી દેવામાં આવ્યા છે.
લીલા શાકભાજી બાદ હવે ડુંગળીએ લોકોને રડાવ્યાં છે. ડુંગળીના ભાવમાં કિલોએ રૂપિયા 20નો વધારો થયો છે. ડૂંગરીનો નવો ભાવ રૂ.45/કિલો છે. જ્યારે અન્ય શાકભાજીની વાત કરીએ તો, પરવર રૂ.130/કિલો, કંકોડા રૂ.150/કિલો, બીટ રૂ.100/કિલોસ વટાણા રૂ.160/કિલો, ટીંડોળા રૂ.120/કિલો, ચોળી રૂ.100/કિલો, ભીંડા રૂ.90/કિલો, ગવાર રૂ.100/કિલો, રવૈયા રૂ.120/કિલો, રીંગણ રૂ.100/કિલો, ફુલાવર રૂ.120/કિલો, કાકડી રૂ.100/કિલો અને કોથમીર રૂ.130/કિલો, ફુદીનો રૂ.150/કિલો, મરચાં રૂ.120/કિલો છે.