ભારત એક પછી એક ઇતિહાસ રચી રહ્યું છે. પહેલા ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ અને ત્યારબાદ સૂર્યના રિસર્ચ માટેનું મિશન સફળતાપૂર્વક લોન્ચ કરી ભારતે વિશ્વભરમાંથી વાહ વાહી મેળવી છે. હવે ભારત સમુદ્રનું ઊંડાણ માપવા અને સમુદ્રના રહસ્યો ઉજાગર કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે અને ટૂંક સમયમાં સમુદ્રયાન મિશનનું ટ્રાયલ શરૂ કરવાનું છે.
મિશન સમુદ્રયાન અંતર્ગત સ્વદેશી સબમર્સીબલમાં ત્રણ લોકોને બેસાડી સમુદ્રની અંદર છ કિલોમીટરના ઊંડાણ સુધી મોકલવામાં આવશે. આ મિશનનો હેતુ અલગ અલગ સોર્સ અને જૈવ વિવિધતાનું રિસર્ચ કરવાનો છે. આ સમુદ્રયાનનું નામ મસ્ત્ય 6000 રાખવામાં આવ્યું છે.
મસ્ત્ય 6000 થકી સમુદ્રની અંદર છ કિલોમીટર સુધી નીચે જઈ કોબાલ્ટ, નિકલ અને મેંગનીઝ જેવી બહુમૂલ્ય ધાતુઓ શોધવામાં આવશે. કેન્દ્રીય અર્થ સાયન્સ મિનિસ્ટર કિરણ રીજજુએ આ બાબતે વિસ્તારથી જાણકારી આપી છે.
મસ્ત્ય 6000ને બનાવતા 2 વર્ષ જેટલો સમય લાગ્યો છે. આગામી વર્ષ 2024ની શરૂઆતમાં તેનું ટેસ્ટિંગ બંગાળની ખાડીમાં થશે. સમુદ્રમાં 6 કિમી સુધી અંદર જવું પડકારજનક હોય છે. તાજેતરમાં થયેલી ટાઇટન દુર્ઘટનાના કારણે વૈજ્ઞાનિકો વધુ સજાગ છે. તેઓ મત્સ્ય 6000ની ડિઝાઇનને વારંવાર ટેસ્ટ કરી રહ્યા છે
સમુદ્રયાન મિશન સંપૂર્ણ રીતે સ્વદેશી છે. મત્સ્ય 6000 સબમર્સીબલમાં છે. આ સબમર્સીબલને બનાવવા માટે ટાઇટેનિયમ એલોયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 6000 મીટરના ઊંડાણમાં સમુદ્રની સપાટીના દબાણ એટલે કે 600 બાર (દબાણ માપવાના એકમ) કરતા 600 ગણું વધારે દબાણ સહન કરી શકે છે.
સબમર્સિબલનો વ્યાસ 2.1 મીટર છે. તેના થકી ત્રણ ભારતીયોને 6000 મીટર સમુદ્રની ઉંડાઈમાં 12 કલાક સુધી મોકલવામાં આવશે. તેમાં 96 કલાકનો ઈમરજન્સી ઇંડ્યુરેન્સ છે. આ મિશનને 2026માં લોન્ચ કરવાની અપેક્ષા સેવવામાં આવે છે. અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ અને ચીન પછી માનવયુક્ત સબમર્સિબલ બનાવનાર ભારત છઠ્ઠો દેશ છે.
સમુદ્રીયાન દરિયાના ઊંડાણમાં શોધ કરશે. તેમજ દરિયાની અંદર રહેલા દુર્લભ ખનીજોના ખનન માટે સબમરીન થકી માણસને મોકલવાનો પણ ઉદ્દેશ છે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 4,100 કરોડ રૂપિયા છે. તેને સમુદ્રની ઊંડાઈમાં ગેસ હાઇડ્રેટ્સ, પોલિમેટાલિક મેંગેનીઝ નોડ્યુલ્સ, હાઇડ્રો-થર્મલ સલ્ફાઇડ અને કોબાલ્ટ ક્રસ્ટ જેવા પદાર્થોની શોધ માટે મોકલવામાં આવશે. સામાન્ય રીતે આ સંસાધનો 1000થી 5500 મીટરની ઊંડાઈમાં મળી આવે છે.
અર્થ સાયન્સ વિભાગે ગત વર્ષ 2021ના જૂનમાં આ મિશનની શરૂઆત કરી હતી. તેનો હેતુ સમુદ્રના સંસાધનો અંગે જાણકારી મેળવવાનો છે. આ ઉપરાંત સમુદ્રમાં ટેકનોલોજી પહોંચાડવી, ભારત સરકારના બ્લુ ઇકોનોમી પ્રોજેક્ટમાં સહયોગ કરવા સહિતની બાબતોમાં પણ તે કામ કરશે.