ભાજપના ત્રણ દાયકાના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું, વેપારીકરણ કર્યું, હવે બિલથી શિક્ષણનું સરકારીકરણ થશે: અમીત ચાવડા

Spread the love

પબ્લિક યુનિવર્સિટી બિલથી ૧૧ યુનિવર્સિટીની શૈક્ષણિક સ્વાયત્તા, એકેડેમિક સ્વાયત્તા અને આર્થિક સ્વાયત્તા ખતમ થઈ જશે: અમીત ચાવડા

સેનેટ સિન્ડિકેટ હટાવી દેવાને કારણે વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચર્યો, બિન શૈક્ષણિક કર્મચારીઓના મજબૂત પ્રતિનિધિઓના બદલે સરકારના માનીતા અને હાં માં હાં ભરનારા જ મેમ્બર્સ જ બનશે: અમીત ચાવડા

ગાંધીનગર

પબ્લિક યુનિવર્સીટી બિલ અંગે વિધાનસભામાં ચર્ચા કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમીત ચાવડાએ જણાવ્યું હતું, “ભૂતકાળની આપણી શૈક્ષણિક પરંપરાઓ, ભવ્યતાઓ અને તેના કારણે જે જાહેર જીવનને મળ્યું, સમાજને મળ્યું આપણાં રાજય અને રાષ્ટ્રની જે પ્રગતિ થઇ તે બાબતની પણ ખૂબ વિસ્તૃત વાત કરીને એટલુ ચોક્કસ કહીશ કે ત્રણ દાયકાથી રાજયમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે શિક્ષણનું ખાનગીકરણ થયુ, શિક્ષણનું વેપારીકરણ થયુ અને હવે આપણે જે રીતે અલગ અલગ કાયદા બનાવીને શિક્ષણનું સરકારીકરણ કરવા જઇ રહ્યા છીએ. તેનાથી આવનારા દિવસોમાં આપણી જે ભાવિ પેઢી છે, જે આપણે શિક્ષણનો એક ઉચ્ચ વારસો છે તેને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે એટલે મારી માનનીય મંત્રીશ્રીને વિનંતી છે કે, સરકાર પાસે અનેક જવાબદારીઓ છે ભાજપ સરકારે અનેક રીતે ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું છે તો આ એકત્રીકરણ કરી અને સત્તાનું કેન્દ્રીયકરણ કરી અને જે યુનિવર્સિટીની ઓટોનોમી- સ્વાયત્તા છે તે ખતમ કરવા માટે જે બિલ લાવવામાં આવી રહ્યું છે તેના પર ચોક્કસ પુનઃવિચાર કરવો જોઇએ કારણ કે આ બિલ લાવતા પહેલાં મંત્રીશ્રીએ કહ્યું કે તેનો જે ડ્રાફટ હતો પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવ્યો અને અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા.”વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે,” હું માનુ છું કે તેના માટે શિક્ષણવિદો સાથે વિદ્યાર્થીના નેતાઓ કે તેના યુનિયનો સાથે પ્રાધ્યાપકો હોય, આચાર્યો હોય, ટીચીંગ નોન- ટીચીંગ સ્ટાફ સાથે કે જેમણે આ શૈક્ષણિક સંસ્થા ઉભી કરવામાં ખૂબ મોટું યોગદાન આપ્યુ છે તેવા અનેક લોકો સાથે જો પરામર્શ કર્યો હતો, રૂબરૂ બોલાવીને ચર્ચા કરી હોત તો આમાં આપણે ઘણું બધુ સારું પણ કરી શકયા હોત અને જે ઓટોનોમી ખત્મ કરવાવાળી કેટલીક તમે જે કલમો લીધી છે તેને આપણે દૂર પણ કરી શકયા હોત. અત્યારે જે ૧૧ યુનિવર્સિટી છે તેમાંથી શૈક્ષણિક ઓટોનોમી ખતમ થઈ જશે, તેમની ફાયનાન્સિયલ ઓટોનોમી ખતમ થઇ જશે અને સાથે સાથે તેમની એકેડેમીક ઓટોનોમી છે તે પણ ખતમ થઇ જશે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી મધ્ય ગુજરાતમાં શરૂ થઇ અને આજે આખા વિશ્વમાં તેની નામના છે, તે જ રીતે આપણી ૧૧ એ ૧૧ યુનિવર્સિટીએ અલગ અલગ ક્ષેત્રમાં તેનુ ખૂબ ઉમદા પ્રદાન રહ્યું છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમાંથી ભણી ગણીને આજે અનેક જગ્યાએ ઉમદા પદો ઉપર બિરાજમાન થઇને પોતાની સેવા અને તેમનુ જે જ્ઞાન છે તેમાંથી સમાજને યોગદાન પણ આપી રહ્યાં છે ત્યારે આપણે એ ઓટોનોમી ખતમ કરવા માટે આ બધાને એક જગ્યાએ લાવવા માટેનો જે પ્રયત્ન છે તેનાથી હું માનુ છું કે દરેક જગ્યાની જે અલગ અલગ વિવિધતા છે, દરેક જગ્યાનું જે અલગ અલગ સ્પેશ્યલાઇઝેશન છે, અલગ અલગ જે કોર્સીસની સ્વતંત્રતા છે તે ખતમ થઇ જવાથી જે મૌલિકતા છે, જે તે વિસ્તાર કે જે તે યુનિવર્સિટીના લોકો માટેની જે અલગ વ્યવસ્થાઓ હતી તેના ઉપર મોટી તરાપ મારવા બરાબર થઇ જશે.” “ખાસ કરીને અહીં ઘણાં બધા મિત્રો બેઠા છે કે તેમના જાહેર જીવનની શરૂઆત એક વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થી નેતાથી થઇ. અહીંયા ડોકટર સાહેબ કહેતા હતા કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ અને તેના સંગઠનોની એક દખલગીરી ઓછી થશે. યુવાન વયે જયારે કોલેજમાં કોઇ દીકરો કે દીકરી જાય ત્યારે તેનામાં જે સ્વતંત્રતા, એના વિચારો રજૂ કરવાની તેની અભિવ્યકિતની આઝાદી અને કંઇક નવું જોવાની, જાણવાની, શીખવાની અને કંઇ પણ ખોટું થતું હોય તો તેની સામે લડવાનો જે જોશ અને ઉત્સાહ હોય છે તે ધીમે- ધીમે કરીને તેમાંથી નેતા બહાર આવતો હોય છે.તેના જ કારણે અલગ-અલગ પક્ષના સંગઠનોમાં પણ વિદ્યાર્થી કાળથી જ લોકો જોડાતા હોય છે. તેમાંથી અનેક લોકો આગળ વધીને ઉચ્ચ સ્થાન સુધી પણ પહોંચ્યા છે. આ નવો એક્ટ બનાવાને કારણે આપણે ત્યાંથી સેનેટ- સિન્ડિકેટની વ્યવસ્થા ખતમ થઇ જશે. સેનેટ- સિન્ડિકેટની વ્યવસ્થામાં અત્યાર સુધી વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ ચૂંટાઇને આવતાં, અધ્યાપકોના પ્રતિનિધિઓ ચૂંટાઇને આવતાં, ટીચિંગ- નોન ટીચિંગ સ્ટાફમાંથી અલગ- અલગ પ્રતિનિધિઓ આવતાં, આચાર્યના પ્રતિનિધિઓ પણ આવતાં અને સરકાર દ્વારા નોમિનેટ થતાં પ્રતિનિધિઓ પણ આવતાં. જે લોકો ચૂંટાઇને આવે અને જે લોકો નોમિનેટ થઇને આવે એ બંનેમાં એટલો ફરક હોય છે કે ચૂંટાઈને આવનાર વ્યક્તિમાં સામર્થ્ય હોય છે. ર્નાવમાં અભિવ્યક્તિ માટેની આઝાદી હોય છે.” “કોઇની પણ શરમ રાખ્યા સિવાય તેઓ પ્રતિનિધિત્વ કરે છે, વિદ્યાર્થી નેતા સેનેટ- સિન્ડિકેટમાં ચૂંટાઇને આવે અને વિદ્યાર્થીઓને સહેજ પણ તકલીફ પડતી હોય, હૉસ્ટેલનો પ્રશ્ન હોય, પરીક્ષાનો પ્રશ્ન હોય, ફીનો પ્રશ્ન હોય કે બીજો કોઇ પણ નાનો પ્રશ્ન હોય તો તેના માટે સેનેટ- સિન્ડકેટ સામે ભીડાતા પણ એને સહેજ પણ સંકોચ કે ડર રહેત સેનેટ- સિન્ડિકેટની વ્યવસ્થા ખતમ ના બદલે સરકાર દ્વારા માનીતા લોકોની બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિમણૂકની જે પદ્ધતિ છે તેમ થવાથી જે લડાયક લોકો છે તેમનું અસ્તિત્ત્વ ખતમ કરી નિમણૂક કરવામાં આવશે. તેનાથી એટલું સ્પષ્ટ છે કે આ તમામ નિમણૂક સરકાર દ્વારા કે કુલપતિ દ્વારા કરવામાં આવશે તો લડવાવાળા અને બોલવાવાળા લોકો તો નહીં જ હોય પણ કુલપતિના માનીતા કે તેમની હા માં હા કરનારા લોકોની નિમણૂક થવાની ભીતિ છે.

અલગ- અલગ વર્ગનો અવાજ રજૂ થતો હતો, તેમના ન્યાય માટેની લડાઇ લડવાવાળા લોકો પણ દૂર થઇ જશે અને સરકારે અથવા કુલપતિએ નક્કી કરેલો એજન્ડા ફોલો થશે અને તેનાથી આ સમયમાં શૈક્ષણિક વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થશે. આપણા બંધારણની કલમ- ૧૯માં નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપવામાં આવી છે. સરકાર આ બીલમાં જે જોગવાઇઓ લઇને આવી છે તેનાથી ‘આપણી યુનિવર્સિટીઓના કોઇ પણ કર્મચારી કે અધ્યાપકને કોઇ પણ જાતની અભિવ્યક્તિની આઝાદી નહિ રહે, તે લખી પણ નહિ શકે, પોતાના વિચારો પણ વ્યક્ત નહિ કરી શકે. કોઇ પણ બાબતમાં રજૂઆત કરવાની આવશે તો પણ એને ડર લાગશે, મૌલિકતાથી લખવાની છૂટ નહીં હોય, મૌલિકતાથી અભિવ્યક્તિ કરવાની છૂટ નહીં હોય.

કવિતા લખવાની વાત હોય કે બીજો કોઇ લેખ લખવાની વાત હોય કે, પત્ર લખવાની વાત હોય કે બીજી કોઇ રીતે પોતાની અભિવ્યક્તિ કરતા હોય તો એના પર રિસ્ટ્રિકશન આવશે. તેના કારણે ડર અને ભયનો માહોલ ઊભો થશે. આ શૈક્ષણિક સંસ્થાઓ છે. તેમાંથી આપણું ભવિષ્ય તૈયાર થવાનું છે. એ ભવિષ્ય તૈયાર કરનારા પ્રાધ્યાપકો, આચાર્યોની અભિવ્યક્તિ છિનવવા માટેની કલમો આ બીલમાં કોઇ પણ રીતે સ્વીકાર્ય ન હોઇ શકે એવું હું માનું છું. સાથે- સાથે આ બીલમાં ટ્રાન્સફરની વ્યવસ્થા માટે પણ જોગવાઇઓ કરવામાં આવી છે. એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં બદલી કરી શકાશે. આ જોગવાઇના કારણે પણ કર્મચારીઓમાં ડરનો માહોલ ઊભો થયો છે કે ક્યાંક કુલપતિના આદેશની સામે પોતાની વાત રજૂ કરી હોય. ક્યાંક કોઇ રાજકીય પાર્ટીના એજન્ડાને અનુસર્યા ના હોય, ક્યાંક કોઇ રાજકીય પાર્ટીએ આપેલા કાર્યક્રમોમાં હાજરી ન પુરાવી હોય કે કોઇપણ નાનો મોટો વિવાદ થાય અને તેના કારણે આવી જોગવાઇઓ કરવાથી તેમાં ડર અને ભયનો માહોલ ઊભો થશે. ભવિષ્યમાં તેના કારણે તેનો દુરુપયોગ થવાની પણ ભીતિ છે. આ બાબતે પણ માનનીય મંત્રી જ્યારે વાત કરે ત્યારે પ્રકાશ પાડે.” અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “ખાસ કરીને અહીંયા જે મિલકતોની તબદીલીની વાત થઇ તો આ તમામ યુનિવર્સિટીઓની મોટાભાગની મિલકતો વર્ષો પહેલા દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. ક્યાંક સરકારે પણ તેમાં યોગદાન આપ્યું હશે અને જાહેર જીવનના શ્રેષ્ઠીઓએ મળીને આ યુનિવર્સિટીઓની મોટાભાગની મિલકતો વસાવી છે. આટલા વર્ષો સુધી આ યુનિવર્સિટીઓમાં ક્યારેય તેની તબદીલી માટે રાજ્ય સરકાર સુધી મંજૂરીનો પ્રશ્ન નહોતો આવ્યો. અત્યાર સુધી કોઇએ એવું ખોટું કર્યુ પણ નથી. આ જોગવાઇઓ રદ્દ કરવા માંગણી કરીએ છીએ.

રાજ્ય સરકારનો હિડન એજન્ડા લાગે છે. ક્યાંકને ક્યાંક સરફ મંજૂરી આપીને મિલકતોનું વેચાણ/તબદીલી થાય. એક સંપદાની પણ તબદીલીની વાત આવી. આપણી રીસર્ચ માટેની લેબોરેટરી કે બીજી વ્યવસ્થાઓને તબદીલ કરવા માટેની વ્યવસ્થાઓ સહિતની જોગવાઇઓ આવનારા સમયમાં સંસ્થાઓ માટે ખૂબ ભયજનક બનશે. ખાસ કરીને આ બિલ આવવાથી શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા ખતમ થવાની સાથે અલગ અલગ યુનિવર્સીટીઓની ખાસિયત અને નામના તેની ઓટોનોમીના કારણે હતી તે છીનવાઇ જવાની છે. સત્તાના આ કેન્દ્રીકરણથી આવનારા સમયમાં દુરુપયોગ થવાની શક્યતાઓ રહેલી છે.”

અંતમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “આ તમામ બાબતે અલગ અલગ સમાજમાંથી બધા લોકોનો વિરોધ આવી રહ્યો છે. કોમન યુનિવર્સિટી એક્ટના નામે ડ્રાફ્ટ પ્રસિદ્ધ કર્યો, પબ્લિક ડોમેનમાં મૂક્યો ત્યારે અદ્યાપકો, કર્મચારી મંડળો અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા ખૂબ વિરોધ થયો પણ આજે આપણે નામ બદલીને ભલે બીજી રીતે લાવ્યા હોય પણ બિલનો હાર્દ હજુ પણ તે જ છે. તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર સ્વાયત્તતા ખતમ કરીને પોતાની સત્તાનું કેન્દ્રીકરણ કરવા માંગે છે. આ શૈક્ષણિક સંસ્થાઓનું સરકારીકરણ કરવા માગે છે.હવે યુનિવર્સિટીના કર્મચારીઓ સરકારી કર્મચારી જેવી માનસિકતાથી કામ કરશે. યુનિવર્સિટીને શિક્ષણ વિભાગ ચલાવતો હોય તેવી સ્થિતિનું નિર્મણ થવાનું છે ત્યારે હું માનું છું કે આ બિલ તમામ રીતે ગુજરાતની આવનારી પેઢીને, શૈક્ષણિક વ્યવસ્થાઓને, આપણા ઉચ્ચ શૈક્ષણિક- વારસાને નુકસાનકારક થવાનું છે. તેને ખૂબ મોટી હાનિ થવા માટે આ બિલ આવી રહ્યું છે ત્યારે અમારા બધાની લાગણી છે કે આ બિલ પર પુનઃ વિચાર કરવામાં આવે. અમે સત્તાનું કેન્દ્રીકરણ અને શૈક્ષણિક ઓટોનોમી ખતમ થઇ રહી છે એટલા માટે આ બિલનો વિરોધ કરીએ છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com