અંબાજી પગપાળા જવાના માર્ગ પર ઉત્પન્ન થતા કચરાના એકત્રીકરણ-નિકાલ માટે ગાંધીનગરથી સ્વયંસેવકોની ટીમને ફ્લેગ ઓફ કરાવતા વન-પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા

Spread the love

*‘મા અંબા’ની આરાધના એવી અંબાજી પગપાળા યાત્રાને માઈ ભક્તો શ્રદ્ધાની સાથે સાથે ‘ઝીરો વેસ્ટ’નો ઉત્સવ બનાવે- વન-પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા*
…………………………
…………………………
અંબાજી પગપાળાના અંદાજે ૩૦૦ કિ.મીના ત્રણ રૂટને સ્વચ્છ રાખીને સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપવાનું ભગીરથ કાર્ય અન્ય માટે પ્રેરણારૂપ બનશે:રાજ્ય વન-પર્યાવરણ મંત્રી શ્રી મુકેશ પટેલ
…………………………

ભાદરવી પૂનમ મેળા નિમિત્તે રાજ્યભરમાંથી લાખ્ખો ભાઈ ભક્તો ‘મા’ અંબાના દર્શન માટે પગપાળા અંબાજી જતા હોય છે. ‘મા’ અંબાની આરાધના એવી અંબાજી પગપાળા યાત્રાને લાખ્ખો માઈ ભક્તો શ્રદ્ધાની સાથે સાથે ‘ઝીરો વેસ્ટ’નો ઉત્સવ બનાવે તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ આજે ગાંધીનગર ખાતે ‘અંબાજી પદ યાત્રા-ઝીરો વેસ્ટ’ ઉત્સવ પ્રસંગે જણાવ્યું હતું.
અંબાજી પગપાળા યાત્રા ‘હરિત યાત્રા’ની સાથે સાથે ઝીરો વેસ્ટ’નો ઉત્સવ બની રહે, તેવા ઉમદા હેતુથી પગપાળા જવાના માર્ગ પર ઉત્પન્ન થતા કચરાના એકત્રીકરણ અને યોગ્ય નિકાલ માટે ગાંધીનગરથી સ્વયંસેવકોની ટીમને વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાના હસ્તે રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ચ-૦ નર્સરી, ગાંધીનગર ખાતેથી આજે ‘ફ્લેગ ઓફ’ કરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈએ કહ્યું હતું કે, પ્રતિ વર્ષ “આશરે ૨૫ થી ૩૦ લાખ ભક્તો પગપાળા યાત્રા કરે છે. ૩૦૦ કિમી જેટલા અંબાજી પગપાળા માર્ગ પર ઉદ્દભવતા કચરાનું વ્યવસ્થાપન કરી પર્યાવરણની જાળવણી કરવી આવશ્યક છે. આજનો આ “અંબાજી પદયાત્રા ઝીરો વેસ્ટ” ઉત્સવએ “શ્રધ્ધા સાથે પર્યાવરણના સંરક્ષણનો સમન્વય” બની રહેશે.” વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોનો નાનો પ્રયાસ સ્વચ્છતાનો મોટો સંદેશ આપે છે. ભાદરવી પૂનમે અંબાજી પગપાળા દર્શને જતાં લાખ્ખો પદયાત્રીઓ દ્વારા વિવિધ કેમ્પો પર ઉત્પન્ન થતાં પ્લાસ્ટિક સહિતના કચરાને એકત્રીત કરીને તેનો યોગ્ય નિકાલ કરવો પણ મા અંબાની ઉમદા ભક્તિ જ છે. આપણા દેશમાં ઉજવાતા વિવિધ ઉત્સવો નવી ચેતના સાથે એકબીજાને જોડે છે. ભાદરવી પૂનમે દર વર્ષે અંબાજી ખાતે યોજાતા સૌથી મોટા ધાર્મિક મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં યાત્રીઓ માટે પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા ‘‘સ્વચ્છ ભારત, મિશન LIFE’’, જેવા અભિયાનો લોકભાગીદારીના સહયોગ થકી સફળ થયા છે. અંબાજી પગપાળા જતા યાત્રીઓને મદદરૂપ થવા-સેવા કરવા આ રૂટમાં આવતા વિવિધ ગામોના યુવક મંડળો, ગરબી મંડળો, વિવેકાનંદ કેન્દ્રો અને ડેરી જેવી સહકારી સંસ્થાઓ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેવો અનુરોધ કરીને મંત્રીશ્રીએ અભિયાનમાં સહયોગી ૧૦૦ સાયકલ સવાર સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે GPCB અંતર્ગત સ્વચ્છતાની નવતર પહેલને બિરદાવતા કહ્યું હતું કે, અંબાજી પગપાળાના અંદાજે ૩૦૦ કિ.મીના ત્રણ રૂટને સ્વચ્છ રાખીને સામાન્ય નાગરિકોને સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપવાનું ભગીરથ કાર્ય અન્ય માટે પ્રેરણારૂપ સાબિત થશે. વડાપ્રધાનશ્રી દ્વારા ૧૫ ઓગસ્ટ ૨૦૧૪માં જાહેર કરાયેલ ‘સ્વચ્છ ભારત’ અભિયાનના સંકલ્પને નાના બાળકથી વડીલ સુધી તમામે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.
ઝીરો વેસ્ટ ઉત્સવમાં જોડાયેલા ૧૦૦ જેટલા સ્વયંસેવકો વિવિધ સેવા કેમ્પ પરથી કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ-વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને માર્ગની સાથે સાથે ગુજરાત-ભારતને સ્વચ્છ બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તે તમામને મંત્રીશ્રીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ – GPCBના અધ્યક્ષશ્રી આર.બી.બારડે સ્વાગત સંબોધન કરતાં કહ્યું હતું કે, ભાદરવી પૂનમના મેળાની પદયાત્રા દરમિયાન આશરે ૫૦ થી ૫૫ ટન કચરો ઉત્પન્ન થતો હોય છે. જેના યોગ્ય નિકાલ માટે બોર્ડ દ્વારા નેપ્રા ફાઉન્ડેશન, સાબર ડેરી તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી અંબાજી પગપાળા માર્ગ પર પ્લાસ્ટિક પ્રદૂષણ થતું અટકાવી શકાશે.
તેમણે કહ્યું હતું કે, ૧૦ થી ૧૫ દિવસની આ પગપાળા યાત્રા મુખ્યત્વે ત્રણ મુખ્ય રૂટ પર યોજાય છે.
(૧) ગાંધીનગર થી દાંતા, (૨) નાના ચિલોડા-ખેડબ્રહ્મા – ઇડર તથા (૩) મહેસાણા – પાલનપુર – દાંતા રૂટ પર થાય છે. આ ત્રણેય માર્ગ પર તથા વિવિધ વિશ્રામ છાવણીઓ, યાત્રાળુઓ દ્વારા વપરાયેલ પ્લાસ્ટિકની બોટલ, પાઉચ, ફુડ પેકેટસ વગેરે પ્રકારનો કચરો ઉદ્દ્ભવે છે જેનું એકત્રીકરણ અને યોગ્ય નિકાલ થાય તે હેતુથી સાથે વર્ષ ૨૦૧૧થી GPCBના ઉપક્રમે આં અભિયાન ખૂબ આવશ્યક છે.
આ પ્રસંગે મંત્રી સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જયારે ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’અંગે જાગૃતિ માટે શેરી નાટક પણ રજૂ કરીને ઉપસ્થિત મહાનુભાવો સહીત તમામે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવા અને સ્વચ્છતા માટે શપથ લીધા હતા.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ શ્રી એસ. કે. ચતુર્વેદી, સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, જીડીએમએના પૂર્વ પ્રમુખ શ્રી યોગેશ પટેલ, નેપ્રા ફાઉન્ડેશનના શ્રી સંદીપ પટેલ સહિત વન વિભાગના અધિકારીઓ, ગુજરાત ડાયસ્ટફ મેનેજમેન્ટ એસોસીએશનના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ-સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com