દહેગામ સરદાર શોપિંગ ખાતે ગણેશ પંડાલમાં ચાલતાં ડાયરા દરમ્યાન નજીવી બાબતે બે જુથ ઘાતક હથિયારો સાથે આમને સામને આવી જઈ વાહનોમાં તોડફોડ કરતાં તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો. એમાંય દારૂનો ધંધો કરતા દંપતીનાં સગીર વયના દીકરાએ ફોર્ચ્યુનર ગાડી મંડપમાં બેફામ રીતે ઘુસાડી દઈ એકને કચડી નાખવાનો પ્રયાસ કરી આતંક મચાવી દીધો હતો. આ ધિંગાણામાં છ લોકોને ઈજાઓ થવા પામી હતી. આ મામલે પોલીસે બંને પક્ષે સામસામે એટ્રોસીટી એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
દહેગામનો જીગર લક્ષ્મણભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલે રાતે તેના મિત્ર દિલીપસિંહ રતનસિંહ પરમારની સ્વિફટ ગાડી લઈને દહેગામ સરદાર શોપિંગ ખાતે ચાલતા ડાયરામાં ગયો હતો. તે વખતે ગાડી પાર્ક કરવા બાબતે સાહિલ ઉર્ફે ગડર વિક્રમસિંહ ઝાલા એકદમ ઉશ્કેરાઈને સાલા નીચ તારે અહીંયા ગાડી પાર્ક કરવાની નથી કહેતા જ મામલો બીચકયો હતો. અને સાહિલ ફેંટ પકડીને જીગરને મારવા લાગ્યો હતો.
એટલામાં ત્યાં પહોંચેલા સાહિલનાં ભાઈ જયદીપે લાકડાનો ડંડો જુગારના માથામાં મારી દીધો હતો. બાદમાં સાહિલના પિતા વિક્રમસિંહ, માતા સંતોકબેન, બહેન ભૂમિકા તથા સાહિલનાં મિત્ર અજય મહેશગીરી ગોસ્વામી, કરણ બુધાજી ઠાકોર ઝગડામાં કૂદી પડ્યા હતા. અને વિક્રમસિંહે અસ્ત્રો મારી દીધો હતો. જ્યારે માં દીકરીએ જીગરને ગડદાપાટુ નો માર માર્યો હતો. આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં સાહિલના કાકાનો સગીર વયનો દીકરો ફોર્ચ્યુનર ગાડી પંડાલમાં હંકારી લાવી જીગર, મયુર અને પ્રવીણને કચડીને મારી નાખવાની કોશિશ કરી હતી. જેનાં કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બાદમાં તેણે સ્વીફ્ટ ગાડી, એકટીવા અને રીક્ષાને કાર અથડાવીને બે વીજ થાંભલા પણ તોડી નાખ્યા હતા. ત્યાં હાજર રવિ ઉર્ફે ટોલી રમેશભાઈ બારોટ પણ ગાળો બોલીને સગીરને ગાડી નીચે બધાને કચડી નાખવા ઉશ્કેરણી કરતો હતો. જેમાં મયુરનો પગ ગાડી નીચે છુંદાઈ ગયો હતો.
જ્યારે સામે પક્ષે ભૂમિકા વિક્રમસિહ ઝાલાએ ફરીયાદમાં દાવો કર્યો છે કે, દહેગામ વણકરવાસ ખાતે રહેતા જીગરભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ તથા દિલીપસિહ પરમાર તથા તિલક રાઠોડ તથા પ્રવિણ ઉર્ફે કાલી રાઠોડ તથા અશ્વિન જોષીએ સ્વીફ્ટ ગાડી લઈ આવી ભજન કિર્તનની જગ્યા નજીક પાર્ક કરી હતી. આથી સાહિલલે થોડે દૂર ગાડી પાર્ક કરવાનું કહેતા બધા એકદમ ઉશ્કેરાઈને ડંડા લઈને તૂટી પડ્યા હતા. અને તેના ભાઈ જયદિપ, પિતા વિક્રમસિહ, માતા સંતોકબેન છોડાવવા વચ્ચે પડતાં તિલક રાઠોડે ભજનના પ્રસંગમાં લાવેલ માઇકનુ સ્ટેન્ડ વિક્રમસિંહને માથામાં માર્યું હતું. બાદમાં એક્ટિવા પણ તોડી નાખ્યું હતું.