ગાંધીનગરનાં સેકટર – 2/ડી માં રહેતા નિવૃત ડેપ્યુટી સેકશન ઓફિસરનાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરોએ બેડરૂમમાં રાખેલી તિજોરી તેમજ લાકડાંના કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. 3 લાખ 28 હજારની ઘરફોડ ચોરીને અંજામ આપતાં સેકટર – 7 પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર – 2/ડી પ્લોટ નંબર – 1122/1 માં રહેતા 67 વર્ષીય કોકિલાબેન મકનજીભાઈ પટેલ વર્ષ 2014 માં નવા સચિવાલય ખાતે આવેલ એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટમાંથી ડેપ્યુટી સેક્શન ઓફીસર તરીકે નિવૃત્ થયા છે. જેમના પરિવારમાં બે દીકરા તથા બે પુત્રવધુ છે. જેઓ પોતાના પરિવાર સાથે જુનાગઢ અને ભરૃચ ખાતે રહે છે. અને રજાના દિવસોમાં ગાંધીનગરનાં ઘરે આવે છે.
ગત તા. 30 મી ઓગસ્ટનાં રોજ કોકિલાબેન તેમની મોટી પુત્રવધૂ સાથે જુનાગઢ રહેવા માટે ગયા હતા. અને ગઈકાલે સોમવારે નાની પુત્રવધૂએ ફોન કરીએ જાણ કરેલી કે, પિયર વલસાડથી ગાંધીનગર આવતાં ઘરનાં મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં છે. ઘરમાં ચોરી થઈ હોય એવું લાગી રહ્યું છે. આથી કોકિલાબેન તેમના દીકરા સાથે ગાંધીનગર આવી ગયા હતા.
બાદમાં ઘરમાં તપાસ કરતાં રૂમમાં રાખેલ લોખંડની તિજોરી તથા લાકડાનું કબાટ ખુલ્લી હાલતમાં હતું. તિજોરીનો દરવાજો તુટેલ અને સર સામાન પલંગ ઉપર વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તેમજ મોટા દીકરા મનીષના બેડરૂમમાં રાખેલ લાકડાના કબાટ તથા નાની પુત્રવધુના રૂમમાં રાખેલ કબાટનો સામાન પણ વેર વિખેર પડ્યો હતો.
આથી તેમણે વધુ તપાસ કરતા તસ્કરો અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રૂ. 1.10 લાખ રોકડા મળીને કુલ રૂ. 3.28 લાખનો મુદ્દામાલ ચોરીને નાસી ગયાનું માલુમ પડયું હતું. આ અંગે સેકટર – 7 પોલીસે ગુનો નોંધી ડોગ સ્ક્વોડ – તેમજ ફિંગર પ્રિન્ટ એક્સ્પર્ટની ટીમને બોલાવીને વધુ તપાસ હાથ ધરી છે.