લોકસભા માટે ગુજરાત ભાજપમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક નેતાઓએ લાગતા વળગતા લોકોને લોબીંગ કરવાનું પણ શરૂ થઈ ગયું છે. જોકે, ટિકિટ કોને મળશે તે તો દિલ્હી દરબારમાં જ માલૂમ પડશે. આવામાં લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક ભાઈને ખુલ્લેઆમ લોકસભામાં આવવાની ઓફર કરી છે. સીઆર પાટીલે કહ્યું કે, મૌલેશભાઈ લોકસભામાં આવે તો અમે લઈ જવા માટે તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે, મૌલેશભાઈ ઉકાણી સૌરાષ્ટ્રમાં ખૂબ જ સેવાકીય પ્રવૃતિમાં મોટું નામ ધરાવતા ઉદ્યોગપતિ છે.
આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિશ્વબંધુ રક્તદાન મહોત્સવમાં હાજરી આપી હતી. કડવા પાટીદાર આગેવાન મૌલેશ ઉકાણીના ષષ્ઠીપૂર્તિ કાર્યક્રમની પણ આ પ્રસંગે ઉજવણી કરાઈ. ત્યારે સી.આર.પાટીલે મૌલેશ ઉકાણીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા શરૂ થઈ હતી. કાર્યક્રમમાં કાનાફૂસી થઈ કે, લોકસભા ચૂંટણીમાં મૌલેશ ઉકાણીને ટિકિટ મળી શકે છે. કારણ કે, સીઆર પાટીલે જાહેરમાં એવી વાત કરી હતી. ત્યારે શું આ વખતે રાજકોટ લોકસભાની ટીકીટ નવા ચહેરાને મળશે તેવુ ચર્ચાઈ રહ્યું છે.