રશિયા-યુક્રેન યુદ્ધ બાદ મોંઘવારીના કારણે દેશનો દરેક વ્યક્તિ હેરાન પરેશાન થઈ ચૂક્યો છે. ભારત સહિત વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ છેલ્લા દોઢ વર્ષમાં વ્યાજદરમાં ધરખમ વધારો કર્યો છે. મોંઘવારીના કારણે વધેલા વ્યાજ દરોએ વિશ્વની આર્થિક ગતિને ધીમી પાડી નાંખી છે, જેના કારણે બેરોજગારી પણ વધી છે. પરંતુ હવે PWCના રિપોર્ટમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે કે લોકો મોંઘવારીને કારણે પોતાની નોકરી છોડી રહ્યા છે. આનું કારણ એ છે કે સમગ્ર વિશ્વમાં કર્મચારીઓ આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે અને મોંઘવારીને કારણે પગારમાંથી ખર્ચો ઉઠાવવા મુશ્કેલ બની ગયા છે. આવી સ્થિતિમાં કર્મચારીઓની બચત ખતમ થઈ રહી છે અને તેઓ નોકરી છોડી રહ્યા છે અથવા આવતા વર્ષ સુધીમાં નોકરી છોડવાનું વિચારી રહ્યા છે.
PWCના રિપોર્ટમાં બ્રિટનનું ઉદાહરણ આપતા જણાવવામાં આવ્યું છે કે ત્યાંના 47 ટકા કર્મચારીઓએ કહ્યું છે કે મહિનાના અંતે કંઈ બચતું નથી, જ્યારે 15 ટકાનું કહેવું છે કે તેઓ ઘરના તમામ બિલ પણ ભરવા પણ સક્ષમ નથી. આવી સ્થિતિમાં તેમની પાસે એક જ વિકલ્પ બચે છે કે તેઓ નોકરી છોડીને કંઈક બીજું કરે. જો કે, આ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છે કે તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના વાતાવરણમાં લોકો ફેરફાર કરવાથી ડરે છે.
પગારમાંથી ખર્ચો ન પહોંચી શકતા હોવા છતાં નવી નોકરીમાં સફળતાની કોઈ ગેરંટી ન હોવાથી નોકરી છોડવાનો ડર કર્મચારીઓમાં રહેલો છે. આવી સ્થિતિમાં એક શંકા રહે છે કે પગારના રૂપમાં જે પણ આવક થઈ રહી છે તે ભવિષ્યમાં ચાલુ રહેશે કે નહીં? 2008ની મંદી દરમિયાન અમેરિકામાં 26 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન અમેરિકાના ઈતિહાસમાં નોકરી બદલનારા લોકોની સંખ્યા સૌથી ઓછી હતી.
નોકરીઓને લઈને સંકટની સ્થિતિ પણ સર્જાઈ રહી છે કારણ કે એવી આશંકા છે કે વિશ્વમાં ગ્રીન એનર્જીના વિકાસ સાથે નોકરીઓમાં પણ ઘટાડો થશે. ચીન અને ભારતની મોટી વસ્તી ખાણકામ ઉદ્યોગમાં કામ કરે છે. આના કારણે 2035 સુધીમાં માત્ર કોલસા ઉદ્યોગમાં 4 લાખ નોકરીઓ જતી રહેશે, એટલે કે વિશ્વમાં દરરોજ 100 લોકો બેરોજગાર થશે. પરંતુ તેની સૌથી વધુ અસર ભારત અને ચીન પર પડશે.
અમેરિકાના ગ્લોબલ એનર્જી મોનિટરના રિપોર્ટ અનુસાર, સદીના મધ્ય સુધીમાં કોલ ઈન્ડિયામાં 73 હજાર 800 નોકરીઓ છીનવાઈ શકે છે, જ્યારે 37 ટકા કોલસા ઉદ્યોગને છટણી કરવી પડશે. જ્યારે, 2050 સુધીમાં ચીનના શાંક્સી રાજ્યમાં મહત્તમ 2.42 લાખ નોકરીઓ ગુમાવી શકે છે. દેખીતી રીતે, આવી પરિસ્થિતિનો સામનો કરતા પહેલા જ લોકો પોતાના માટે આવકની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે નોકરી છોડવાનું મુખ્ય કારણ હશે.
પરંતુ અહીં એ સવાલ ઊભો થવો વ્યાજબી છે કે જ્યારે પગાર પણ પૂરતો નથી, તો પછી લોકો નોકરી છોડીને કરશે શું? PWCના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં 26 ટકા લોકો એટલે કે દરેક ચોથો કર્મચારી આવતા વર્ષ સુધીમાં તેમની નોકરી છોડીને કંઈક બીજું કરવા માંગે છે. હકીકતમાં, વધતી જતી મોંઘવારીને કારણે કર્મચારીઓને એવું લાગવા માંડ્યું છે કે તેઓ હવે તેમની નોકરીમાંથી મળતા પગારથી તેમના ઘરનો ખર્ચ અને EMI ચૂકવી શકતા નહીં. એટલા માટે તેઓ નોકરીને બદલે પોતાનું કામ જાતે કરવા માંગે છે.