દેશમાં હજી શિયાળો શરૂ થયો નથી ત્યાં દિલ્હીમાં પ્રદૂષિત હવાએ હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે.દિવાળી નજીક આવી રહી છે તે પહેલા જ દિલ્હીની હવા ઝેરીલી બની રહી છે. સોમવારે દિલ્હીનો AQI 300ની સપાટી વટાવીને 309 થયો હતો જ્યારે મુંબઈનો એક્યુઆઈ 176 થયો હતો. એકલા દિલ્હીની હવા જ ઝેરીલી થઈ છે તેવું નથી. મુંબઈ, અમદાવાદ, ઈન્દોર જેવાં શહેરોની હવા ઝેરીલી બનતા ત્યાં પણ લોકો માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) એ જણાવ્યા મુજબ સોમવારે સવારે દિલ્હીનો AQI 305, બવાનાનો 335, અલીપુરમાં 278, IGI એરપોર્ટ દિલ્હીમાં 290, પંજાબી બાગમાં 325 હતો. દિલ્હીમાં હવાનું પ્રદૂષણ વધુ રહ્યું હતું. ગ્રેટર નોઈડાનો AQI 275 અને ગાઝિયાબાદનો 260 રહ્યો હતો. દર વર્ષે શિયાળામાં અને ખાસ કરીને દિવાળી પહેલા દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધી જાય છે અને લોકોનાં આરોગ્ય માટે ખતરનાક સ્તરે પહોંચે છે.
હવાની ખરાબ ગુણવત્તા ધરાવતા દેશનાં ટોચનાં 10 શહેરોમાં ગ્રેટર નોઈડા, ફરિદાબાદ, દિલ્હી, મુઝફ્ફરનગર, બહાદુરગઢ, માનેસર, કૈથલ, વલ્લભગઢ, ભરતપુર અને ભિવાડીનો સમાવેશ થાય છે.
જે રીતે દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે તેને કન્ટ્રોલમાં લેવા દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલરાય દ્વારા ઉચ્ચકક્ષાની બેઠક બોલાવાઈ હતી જેમાં અધિકારીઓને આડે હાથ લેવામાં આવ્યા હતા. કેટલાક ઉચ્ચ અધિકારીઓ હાજર ન રહેતા તેમણે આવા અધિકારીઓને ફટકાર લગાવી હતી. ગોપાલરાયે મીડિયાને કહ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણનાં અગાઉનાં 13 અને અન્ય
8 સ્થળોને અલગ તારવવામાં આવ્યા છે જ્યાં AQI 300ની સપાટી વટાવી ગયું છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે GRAP – 2નો કડક અમલ કરવા માટે આ બેઠક બોલાવાઈ હતી.
ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. અમદાવાદમાં હવાની ગુણવત્તા શુદ્ધ પરથી કથળીને મધ્યમ સ્તર પર 127 નોંધાઈ હતી. કર્ણાટકનાં બેંગ્લુરુમાં AQI 93, ચેન્નઈમાં 102, હૈદરાબાદમાં 92, મુંબઈમાં 176 પુણેમાં 146, રાજસ્થાનની રાજધાની જયપુરમાં 122 અને બિહારની રાજધાની પટનામાં 153નાં સ્તરે પહોંચી હતી. મધ્યપ્રદેશમાં મિની મુંબઈ તરીકે ઓળખાતા ઈન્દોરમાં AQI 144 અને છત્તીસગઢનાં રાયપુરમાં હવાની ગુણવત્તાનું સ્તર 119 હતું.