આણંદ જિલ્લાના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો કરતા કોંગ્રેસ પક્ષના નેતા જ દારૂનો વેપલો કરતા ઝડપાયા છે. આંકલાવ પોલીસે બાતમી આધારે આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારના ઘરે ગત મોડી રાત્રે છાપો માર્યો હતો, જ્યાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો દારૂ તેમજ બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો.
આંકલાવ પોલીસે મહેન્દ્રસિંહ પરમાર તેમજ અન્ય બે શખ્સ સામે ગુનો નોંધી શહેર કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કરી છે, જ્યારે બાકીના બે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કોંગ્રેસ શહેર પ્રમુખ જ દારૂનો વેપલો કરતો હોવાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સાથે કોંગ્રેસ દ્વારા મહેન્દ્રસિંહ પરમારને તત્કાલ શહેર પ્રમુખ પદેથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.