છેલ્લા એક સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાર્ટ અટેકને કારણે 22 લોકોના મોત, મંત્રી ઋષિકેશ પટેલે ડોકટરો સાથે બેઠક યોજી

Spread the love

ગુજરાતમાં નવરાત્રિના ગરબા દરમિયાન અને તે પૂર્વે પણ યુવાન વયના નાગરિકોને હરતાં ફરતાં આવી જતા હૃદયરોગના હુમલાને કારણે થઇ રહેલા મૃત્યુના કિસ્સા બાબતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ટકોર કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સફાળા જાગ્યા છે. સોમવારે તેમણે ટોચના હૃદય નિષ્ણાતો અને યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ડોકટરો સાથે બેઠક યોજી હતી અને તેમને સંબંધિત ડેટા એકત્રિત કરવા અને આ મૃત્યુનું ચોક્કસ કારણ શોધવા માટે સંશોધન કરવા નિર્દેશો આપ્યા હતા.

સૂત્રો જણાવે છે કે આ કોઇ અધિકૃત બેઠક ન હતી, પરંતુ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કામને લઇને ચર્ચા કરવા આવેલા હૃદયરોગના તજ્જ્ઞો સાથે મંત્રીએ આ મુદ્દો છેડીને તેની વિગતો મેળવવા માટે જણાવ્યું હતું. આનંદીબેન પટેલે આવાં હુમલા માટે કોવિડ-19 કે રસી જવાબદાર હોય છે તે બાબતને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સંશોધનને ટાંકીને ફગાવી દીધી હતી. આ જ અંગે રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ નિષ્ણાતો સાથેની ચર્ચામાં પૃચ્છા કરી હતી, તેના સંદર્ભે તબીબોએ પણ જણાવ્યું હતું કે આવાં હુમલા આધુનિક જીવનશૈલી અને તેમાં કેટલાંક ફેરફારને કારણે થાય છે, પરંતુ તેમાં કોવિડ સીધી કે આડકતરી રીતે અસરકારક નથી. નવરાત્રીના તહેવારો શરૂ થાય તે પહેલાં, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે, એક પરિપત્ર દ્વારા, ગરબા ઇવેન્ટના આયોજકો માટે સ્થળ પર એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ તૈનાત કરવાનું ફરજિયાત બનાવ્યું હતું જેથી ખેલૈયાઓને આવી સમસ્યા થાય તો ત્વરિત સારવાર આપી શકાય.

આરોગ્ય મંત્રી સાથેની ચર્ચામાં તબીબોએ કહ્યું કે એવું નથી કે યુવાવયના લોકોને ત્વરિત હાર્ટ એટેક આવી રહ્યા છે કે કોવિડના સમયગાળા બાદ તે વધ્યું છે. કોવિડના સમય પહેલા પણ આવાં હુમલા આવતા હતાં, પરંતુ તેની નોંધ ઓછી લેવાતી હતી અન્યથા તે વખતે કોવિડ નહીં હોવાથી તેની સાથે સાંકળી લેવામાં આવતું ન હતું. કિશોરાવસ્થામાં થતી આવી ઘટના માટે ઓછી શારિરીક કસરત અને ખૂબ ચરબીયુક્ત ખોરાક કે જંક ફૂડ વધુ મોટું કારણ છે.

ભારત સરકારની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ એટલે કે તબીબી ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા હાલ યુવાન વયે નોંધાતા હાર્ટ એટેકના કેસમાં ઓટોપ્સી કરીને કારણ શોધી રહી છે. મૃત્યુ કેમ થયું, એટેક કેમ આવ્યો, તે સમયે શારિરીક સ્થિતિ કેવી હતી, અન્ય કોઇ બિમારી હતી કે કેમ અને કેવો ખોરાક ખાધો હતો તે સહિતની બાબતોની વિગતો એકત્રિત કરાઇ રહી છે. આ અંગે આઇસીએમઆરની એક ગાઇડલાઇન પણ અગાઉ પ્રસિદ્ધ થયેલી છે.

છેલ્લા એક સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાર્ટ અટેકને કારણે 22 લોકોના મોત થયા હતા. એટલું જ નહીં 15 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર દરમિયાન 108 આરોગ્ય સેવાને હૃદય સંબંધિત ફરિયાદોના 750થી વધારે કોલ્સ આવ્યા હતા. નવરાત્રિ દરમિયાન જ 673 કોલ્સ આવ્યા હતા. મંગળવારે રાજ્યના વિવિધ વિસ્તારમાં હાર્ટ અટેકથી 5 લોકોના મોત થયા હતા. જેમાં શાળાના આચાર્ય, શિક્ષક તથા રાજકીય પક્ષના કાર્યકર્તાનો સમાવેશ થાય છે. નવરાત્રિના પ્રારંભમાં રાજ્ય સરકારે તમામ મોટા ગરબા આયોજકોને ઇમરજન્સી આરોગ્ય સેવા માટે મેડિકલ ટીમને તહેનાત કરવાની સૂચના આપી હતી. સાથે જ હોસ્પિટલોમાં પણ રાત્રિ દરમિયાન મેડિકલ સ્ટાફ રાખવા જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com