જે ધાર્યું હતું તે થયું. ચીનની રિયલ એસ્ટેટ કટોકટી ધીમે ધીમે સમગ્ર વિશ્વને ઘેરવા લાગી છે. ચીનની અર્થવ્યવસ્થામાં રિયલ એસ્ટેટનો હિસ્સો લગભગ ૩૦% છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ચીનની અર્થવ્યવસ્થા માટે આ ક્ષેત્ર કેટલું મહત્વનું છે. જો તે ડૂબી જશે તો બેન્કિંગ સેક્ટર પણ નાશ પામશે. વિશ્વની ઘણી બેંકોએ ચીનના રિયલ એસ્ટેટ સેક્ટરમાં જંગી રોકાણ કર્યું છે.હવે તેની આડઅસર પણ દેખાવા લાગી છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બાદ હવે યુરોપની સૌથી મોટી બેંક HSBC ને પણ ચીન તરફથી $૫૦૦ મિલિયનનો ફટકો પડ્યો છે. બેંકે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે.
HSBC એ સોમવારે તેના પરિણામો જાહેર કર્યા જે અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી. બેંકે ચાઈનીઝ રિયલ એસ્ટેટ લોનમાં થયેલા નુકસાનને આવરી લેવા માટે $૫૦૦ મિલિયનની જોગવાઈ કરી છે. જેના કારણે બેંકના નફા પર અસર પડી છે. યુકેની આ બેંકનું કહેવું છે કે આવનારા દિવસોમાં ચીનની સ્થિતિ વધુ વણસી શકે છે. ગયા અઠવાડિયે અન્ય બેંક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે પણ કહ્યું હતું કે ચીનના કારણે તેના નફા પર અસર પડી છે. ચીનમાં હાઉસિંગના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે અને ડેવલપર્સ એક પછી એક ડિફોલ્ટ કરી રહ્યા છે. સરકારે તેને પાટા પર લાવવા માટે ઘણા પગલાં લીધા છે પરંતુ આજ સુધી તેનો કોઈ ફાયદો થયો નથી.
મેન્યુફેક્ચરિંગમાં ફરી ઘટાડોઃ દરમિયાન, નબળી માંગને કારણે, ચીનમાં ઉત્પાદન ક્ષેત્રે ફરી એકવાર ઘટાડો થયો છે. પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ ઓક્ટોબરમાં ઘટીને ૪૯.૫ થયો હતો જે સપ્ટેમ્બરમાં ૫૦.૨ હતો. નોન-મેન્યુફેક્ચરિંગ PMI પણ ૫૦.૬ પર રહ્યો જે ડિસેમ્બર ૨૦૨૨ પછી સૌથી નીચો છે. PMI એ આર્થિક પ્રવળત્તિનું માસિક સૂચક માનવામાં આવે છે. તે ૫૦ ની ઉપર વિસ્તરણ અને ૫૦ ની નીચે સંકોચન દર્શાવે છે. ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી ઘણા મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. લોકો ખર્ચ કરવાને બદલે બચતમાં વ્યસ્ત છે, બેરોજગારી ચરમસીમાએ છે અને નિકાસ પણ ઘટી છે. આ ઉપરાંત અમેરિકા સાથે પણ તણાવ યથાવત છે.