ડબલ સિઝનના કારણે હાલ મોટા ભાગના લોકોને ખાંસી-ઉધરસની તકલીફ થઈ રહી છે. જોકે, જો આ તકલીફ સતત લાંબી ચાલે અને વધારે તકલીફ જણાય તો તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી. કારણકે, કોરોના પણ ફરી સક્રિય થયો છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સાબદું જાગ્યું છે. વલસાડમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઇ છે. મળતી જાણકારી અનુસાર, વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. નવસારીના રૂમલાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. દર્દીને સારવાર માટે પ્રથમ વલસાડની કસ્તુરબા હોસ્પિટલ અને ત્યાર બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. વલસાડ સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિના બાદ કોરોના પોઝિટિવ દર્દી દાખલ થતા સિવિલ હોસ્પિટલ અને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. બીજી તરફ રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે, ફરી એકવાર શહેરમાં ઠેર ઠેર ડેન્ગ્યૂથી લઇને ચિકનગુનિયા અને વાયરલ ફિવરના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. ગયા છેલ્લા એક અઠવાડિયાથી રોગચાળાની સ્થિતિમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે, જેના તંત્રની ઊંઘ ઉડી ગઇ છે. રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એક અઠવાડિયામાં શહેરની સરકારી હૉસ્પિટલોમાં નોંધાયેલા રોગચાળાના આંકડાએ તંત્રને દોડતુ કરી દીધુ છે. તાજા આંકડા પ્રમાણે, શહેરમાં ડેન્ગ્યૂના ના 9, ચિકનગુનિયાના 8, શરદી-ઉધરસના 822 અને ઝાડા ઉલટીના 180 કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી દર્દીઓના ધસારાને જોતા સરકારીની સાથે સાથે ખાનગી હૉસ્પીટલો પણ ઉભરાઇ રહી છે. ખાસ વાત છે કે, રાજકોટ શહેરની વિસ્તારની સાથે સાથે હવે રોગચાળાની ઝપેટમાં ગ્રામ્ય વિસ્તારો પણ આવી રહ્યાં છે.