ગુજરાત સહિતના રાજયોમાં યુટ્યૂબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી ટાસ્ક બેઝ્ડ વર્કના આધારે મબલખ કમાણીની લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારી ટોળકીનો ભેદ ખોલવામાં પોલીસને સફળતા મળી છે. માત્ર એક જ વ્યક્તિ પાસેથી અલગ-અલગ ટાસ્કના નામે રૂ.19.92 કરોડ પડાવી લેનારી ટોળકીના આર્થિક વ્યવહારો બાબતે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ટોળકીએ સોશિયલ મીડિયા યુઝર પાસેથી કોઈ એક બેંક ખાતામાં નાણાં જમા કરાવ્યા બાદ ખૂબ ઝડપથી અન્ય ખાતાઓમાં સગેવગે કર્યા હતા. આ તમામ ખાતાઓની ઝીણવટભરી તપાસ બાદ સીઆઈડી ક્રાઈમના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમના પીએસઆઈ મહેન્દ્રભાઈ પંડ્યાએ આ મામલે અમદાવાદ, દિલ્હી, ઉદેપુર અને રાજકોટના ચાર ઠગ સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, સાઈબર ક્રાઈમનો ભોગ બનેલા નાગરિકો દ્વારા 1930 નંબર પર કોલ કરવામાં આવે છે અને તેના આધારે તેમની અરજી પોર્ટલ પર ચડાવવામાં આવે છે. આવી જ એક અરજી સૌરભ દેસાઈ દ્વારા થઈ હતી. જેમાં તેમની પાસે વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક કરવા અને ટાસ્ક બેઝ્ડ વર્ક પૂરા કરી આવક મળવાની ખાતરી આપી હતી.
વિશ્વાસ કેળવાયા બાદ રોકાણ કરવાથી વધુ રૂપિયા મળવાની લાલચ આપીને રૂ.19.92 કરોડનું રોકાણ કરાવ્યું હતું. આ નાણાં બાદમાં પરત અપાયા ન હતા.અરજદારે જે બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા, તે ખાતામાંથી અન્ય ખાતાઓમાં નાણાં જમા કરાવી દેવાયા હતા. નાણાં સગેવગે કરવા માટે અલગ-અલગ બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે રકમ જમા કરાવાતી હતી. કૌભાંડના નાણાં જમા થયા હોય તેવા બેંક ખાતાઓને ફ્રીઝ કરાવી દેવાતા હતા.
શ્રી એન્ટરપ્રાઈઝનું ઈક્વીટાસ બેંકમાં આવેલું ખાતું અનફ્રીઝ કરવા માટે અરજી આવી હતી. આ અરજીની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા હતા.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સાઈબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં સગેવગે કરવા માટે બેંક ખાતા ભાડે લેવામાં આવતા હતા અને આ સુવ્યવસ્થિત કૌભાંડની જાળ અનેક રાજ્યોમાં ફેલાયેલી છે. ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં આ કૌભાંડ પથરાયેલું હતું. આ મામલે પોલીસે હાલ માત્ર રૂ.20 કરોડની ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે.
સમગ્ર પ્રકરણમાં પોલીસે દિલ્હી ખાતે આવેલી બિશ્વાસ ગાર્ટ એન્ડ ટ્રેડિંગ, સુજલ બાબુભાઈ પટેલ (રહે. નેમિનાથ સોસાયટી, રાણીપ, અમદાવાદ), કમલ ઉદેપુર ઉર્ફે સુનીલ મલકાની (રહે. ઉદેપુર), નિરવ પુલીનભાઈ ધાનક (રહે. પંચનાથ કોમ્પ્લેક્સ, કાલાવડ રોડ, રાજકોટ) સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન ઠગાઈનો આ આંકડો અનેક ગણો વધવાની શક્યતા છે.