દિવાળી વેકેશનમાં બહાર ફરવા જનારાની સૌથી મોટી ચિંતાનો વિષય ઘરની સલામતી હોય છે. ખાસ કરીને આ દિવસોમાં ચોરીની ઘટનાઓમાં ઘણો વધારો થતો હોય છે, પરંતુ હવે લોકો ઘરની ચિંતા કર્યા વગર આરામથી ફરી શકશે. પોલીસ દ્વારા શરૂ કરાયેલા ખાસ પ્રોજેક્ટ ‘સતર્ક’ના પગલે લોકોની મુશ્કેલીનો અંત આવ્યો છે. ‘પ્રોજેક્ટ સતર્ક’ અંતર્ગત ગાંધીનગરની સોસાયટીમાં CCTV કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા પોલીસ સ્ટેશનથી કનેક્ટ કરવામાં આવશે. સોસાયટીમાં કોઇ પણ શંકાસ્પદ ગતિવિધિ હશે તો પોલીસને તરત જ નોટિફિકેશન મળી જશે. જે બાદ પોલીસ ફક્ત 10 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પોલીસની નવતર પહેલ અંતર્ગત શરૂ થયેલા પ્રોજેક્ટ ‘સતર્કને કારણે ઘરફોડ ચોરીના કેસોમાં ચોક્કસપણે ઘટાડો થશે તેવો આશાવાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કર્યો છે.