દિવાળીનો તહેવાર ભારતીય અર્થતંત્ર અને વેપારીઓ માટે સારો રહ્યો છે. આ વર્ષે દિવાળીની સીઝનમાં સમગ્ર દેશના બજારોમાં ગ્રાહકોની જોરદાર માગને પગલે વિક્રમનજક વેપાર જોવા મળ્યો છે.
ટ્રેડર્સ ફેડરેશન કેટના જણાવ્યા અનુસાર આ વર્ષે દિવાળી પર 3.75 લાખ કરોડ રૂપિયાથી વધુનો વિક્રમજનક વેપાર થયો છે. જ્યારે ગોવર્ધન પૂજા, છઠ પૂજા અને તુલસી વિવાહ જેવા તહેવાર હજુ બાકી છે.
જેમાં વધુ 50000 કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વોકલ ફોર લોકલનો જાદુ લોકો પર ચાલી રહ્યો છે. જેના કારણે ચીનને એક લાખ કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું છે.
તેમણે જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં દિવાળીના તહેવાર પર ચીનથી બનેલી વસ્તુઓનો લગભગ 70 ટકા બજાર ભારતમાંથી મળતો હતો, જે આ વખતે શક્ય બન્યું નથી. એક અંદાજ મુજબ 3.5 લાખ કરોડ રૂપિયાના વેપારમાં લગભગ 13 ટકા હિસ્સો ખાદ્ય અને અનાજનો, 9 ટકા જ્વેલરીનો, 12 ટકા વસ્ત્રો અને ગારમેન્ટ, 4 ટકા ડ્રાય ફ્રૂટ, મીઠાઇ અને નમકીન, 3 ટકા ઘરની સજાવટ, 6 ટકા કોસ્મેટિક્સ, આઠ ટકા ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ, 3 ટકા પૂજા સામગ્રી અને વસ્તુઓ, 3 ટકા વાસણો અને કિચન ઉપકરણો, 2 ટકા કોન્ફેક્શનરી અને બેકરી, 8 ટકા ગિફ્ટ આયટમ, ચાર ટકા ફર્નિશિંગ એન્ડ ફર્નિચર બાકી 20 ટકા ઓટોમોબાઇલ, હાર્ડવેર, ઇલેકટ્રિકલ રમકડા સહિત અન્ય અનેક વસ્તુઓ અને સેવાઓનો હિસ્સો રહ્યો હતો. આ અગાઉ ધનતેરસ પર સોનાચાંદીનો લગભગ 30000 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. 27000 કરોડ રૂપિયાની સોનાની જવેલરી વેચાઇ હતી. જ્યારે 2022માં ધનતેરસ પર સોનાચાંદીનો વેપાર 25000 કરોડ રૂપિયા રહ્યો હતો.