ગાંધીનગરના સેકટર – 30 સ્થિત વિવાદિત પાંજરાપોળમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું. મુખ્યમંત્રીએ નિર્ધારિત કાર્યક્રમ વિના જ અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને સાથે પાંજરાપોળની સરપ્રાઈઝ વિઝિટ લઈ પશુઓને આપવામાં આવતો આહાર અને દેખભાળની વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ગાંધીનગર સેક્ટર – 30 ની પાંજરાપોળમાં ક્ષમતા કરતા વધુ પશુઓને ગોંધી રાખી ઘાસચારો, સફાઈ સહિતની સુવિધાના અભાવે ઢોર મોતને ભેટી રહ્યાના આક્ષેપો થતાં રહેતા હોય છે. આ મુદ્દે માલધારીઓની સાથે કોંગ્રેસ દ્વારા પણ ભૂતકાળમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સેકટર – 30 નાં ઢોર ડબ્બામાં ક્ષમતા કરતાં વધુ માત્રામાં પશુઓને ઠાંસી ઠાંસીને રાખવામાં આવતા તેમજ યોગ્ય સાફ સફાઈ ઉપરાંત પશુઓના આરોગ્યની પણ દરકાર કરવામાં આવતી નહીં હોવાની ફરીયાદો માલધારીઓમાં ઉઠવા પામતી રહેતી હોય છે.
થોડા વખત અગાઉ અહીંના ઢોર વાડામાં રોજના ત્રણ ચાર પશુઓ મોતને ભેટતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેનાં પગલે ગૌ રક્ષકોએ સેકટર – 30 ના ઢોર ડબ્બાએ જઈને હલ્લાબોલ પણ કરવામાં આવ્યો હતો. ભુતકાળમાં ગૌ સેવકો દ્વારા આ પાંજરાપોળ (ઢોર ડબ્બો)ની મુલાકાત લેવામાં આવતાં ગૌમાતાની વિકટ પરિસ્થિતિ જોવા મળી હતી. બીમાર ગાયોની સારવાર માટેનું કોઈ અલાયદુ યુનિટ ન હતું. તેમજ બીમાર ગાયો માટે અલગથી ખોરાક – પાણીની વ્યવસ્થા પણ ન હતી. જે મામલે મનપા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાત્રી અપાઈ હતી.
ત્યારે આજે સવારે રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનક અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને સાથે રાખી ઉપરોક્ત પાંજરાપોળની સરપ્રાઈઝ વિઝિટ અર્થે પહોંચી જતાં મનપા તંત્ર દોડતું થઇ ગયું હતું. મુખ્યમંત્રીએ પાંજરાપોળમાં રાખવામાં આવેલી ગાયો સહીતના પશુઓની સારસંભાળ, ઢોર વાડાની સાફ સફાઈ તેમજ પશુઓને આપવામાં આવતા આહારની વિગતો મેળવી હતી. અને પશુઓને દેખભાળ અંગે જરૃરી માર્ગદર્શન પૂરું પાડી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પાંજરાપોળની લાલિયાવાડી અંગેની ફરિયાદો મળતાં રાજ્યપાલે પણ ઢોર ડબ્બાની મુલાકાત લઈ ઢોર ડબ્બાની કેપિસીટી વધારવા તેમજ ગાયોની યોગ્ય રીતે દેખરેખ રાખવાની સૂચનાઓ આપી હતી.