ગાંધીનગરના ઉવારસદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં નાસ્તો બનાવતી વખતે અચાનક ગરમ કરેલા અંકુર કપાસીયા તેલમાં ભડકો થયો હતો.જો કે, આ ઘટનામાં મહિલાનો જીવ માંડ માંડ બચ્યો હતો.
મહિલાએ સમગ્ર ઘટના વિશે જણાવ્યું કે, તેઓ નાસ્તો બનાવવા માટે તેલ ગરમ કરવા મુક્યું ત્યારે તેલમાંથી અચાનક ઉભરો આવવા લાગ્યો હતો એટલે તેઓ તેમના પાડોશીને પૂછવા ગયા કે તેલમાં ઉભરો કેમ આવે છે. તેઓ પાડોશી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે કોઈએ તેમને જણાવ્યું કે તમારા ઘરમાં આગ લાગી છે. ધુમાડો નીકળી રહ્યો છે.
આ સાંભળીને મહિલા તેમના ઘરે પહોંચ્યા અને રસોડામાં ગયા તો જોયું કે આગ લાગી છે અને બાજુમાં રહેતા છોકરાએ આવીને કડાઈ બહાર મુકીને ગરમ તેલ ફેંકી દીધું હતું. તેમનું એવું પણ કહેવું છે કે, તેઓ નીચે ગયા ત્યારે તેલ ગરમ મુક્યું હતું તેનું બાજુના ગેસમાં જમવાનું બની રહ્યું હતું તે ગેસ બંધ કરીને ગયા હતા. આ ઘટના બનતા મહિલાનું ગળું પણ બેસી ગયું હતું.
મહિલાએ એમ પણ જણાવ્યું કે તેઓ અંકુર કપાસીયા તેલનો ડબ્બો ત્રણ મહિના પહેલા જીઓ મોલના પ્રકાશ કિરાણા સ્ટોલમાંથી ખરીદ્યો હતો. તેઓ બે દિવસથી અંકુર કપાસીયા તેલથી જમવાનું બનાવી રહ્યા હતા.જમવાનું બનાવતી વખતે પણ તેલમાં ફીણ આવી રહ્યા હતા પણ મહિલાએ વધારે ધ્યાન ન આપ્યું, પણ જયારે મહિલાએ અંકુર કપાસીયા તેલમાં નાસ્તો તળવા માટે તેલ ગરમ કરવા મુક્યું તો તેમાં આ ભડકો થયો હતો. જણાવી દઈએ કે, ભડકો થતા મહિલાના રસોડાને પણ નુકસાન થયું છે.
જીઓ મોલના પ્રકાશ કિરાણા સ્ટોલમાં પણ જાણવામાં પ્રયાસ કર્યો કે તેમમાં કોઈ મિલાવટ તો નથી ને. સ્ટોલના માલિક સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું હતું કે, આ ઘટના વિશે અમને જાણ થઇ છે અને મને અંકુર કપાસીયા તેલની કંપનીમાં પણ જાણ કરી છે તેઓ તપાસ કરવા માટે આવવાના પણ છે. સ્ટોલના માલિકને જયારે પૂછવામાં આવ્યું કે શું કંપનીવાળા નકલી તેલ આપે છે શું તેઓ બ્લાસ્ટ થાય તેવું તેલ આપે છે? તો સ્ટોલના માલિકે જણાવ્યું કે અમેબિલથી બધી જ વસ્તુઓ લઈએ છીએ અમે કંઇ નથી જાણતા.
તેઓએ આગળ જણાવ્યું કે નકલી કે અસલીનો પ્રશ્ન જ નથી અંકુર કંપની વાળા પાસેથી માલ આવે છે. કંપની વાળાનો માલ છે અમારો તો રીટેલ સેલ છે. સ્ટોલ માલિક ગાંધીનગર અંકુર ડેપોમાંથી તેલના ડબ્બા મંગાવ્યા હતા. કંપનીવાળા અસલી બનાવે છે કે નકલી તેલ તે અમને ખબર નથી. ફૂડ વિભાગ આવીની તપાસ કરે પછી જ ખબર પડશે.
ત્યાર બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી.કોસીયા એકશન મોડમાં જોવા મળ્યા હતા. આ અંગે તેઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હાલ આ ઘટનાને લઈ કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેલમાં કંઇ રીતે ભડકો થયો હાલ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. તમામ રીતે તપાસ કરવામાં આવશે અને જો તેલમાં ભેળસેળ હશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, અંકુર કપાસીયા તેલ રાજયમાં મોટા ભાગના ઘરોમાં વાપરવામાં આવતો હોય છે. આ તેલમાં કઈ રીતે ભેળસેળ કરવામાં આવી છે કે પછી આ ભડકો થવા પાછળનું કારણ શું છે તે તપાસ પૂર્ણ થયા બાદ જાણવા મળી શકે છે. જો આ તેલના ડબ્બામાં ભેળસેળ કરાઈ હશે તો રાજયમાં કરોડો લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તે વાત નકારી શકાય તેમ નથી.
આ અંગે અધિકારી સાથે વાતચીત કરતા તેઓએ આ ઘટનાને સામાન્ય ગણાવી હતી. આ વાત પરથી એવું સાફ દેખાઈ રહ્યું છે કે આ મોટા મોટા અધિકારીઓને પ્રજાની કોઈ ચિંતા નથી. તપાસ કરવાના બદલે અધિકારીએ આ તમામ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોય તેવો જવાબ આપ્યો હતો. હાલ લોકોમાં એ ચર્ચા જોવા મળી રહી છે કે પ્રજા પોતાના ન્યાય માટે અધિકારીઓ પાસે આશા રાખે છે પરતું અધિકારીઓ આવી રીતે હાથ અધ્ધર કરી લે તો પ્રજા કોની પાસે આશા રાખે?