અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સુરક્ષા ઘેરો તોડીને ગ્રાઉન્ડમાં ઘૂસી છેક વિરાટ કોહલી સુધી પહોંચી જનારો ઓસ્ટ્રેલિયન નાગરિક વિરુદ્ધ ચાંદખેડા પોલીસ મથકમાં ગુનો નોંધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેના આજે એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે શરતોને આધીન ઓસ્ટ્રેલિયન આરોપીને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ઓસ્ટ્રેલિયન નાગરિકનો પાસપોર્ટ ક્રાઈમ બ્રાન્ચ પાસે જ રહેશે. તપાસમાં સહકાર અને કોર્ટ કાર્યવાહીમાં હાજરી આપવી પડશે એવી શરતે જામીન આપવામાં આવ્યા છે.
સુરક્ષા એજન્સીઓની પોલ ખૂલી ગઈ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનસન મેદાન પર દોડી જઈ વિરાટ કોહલીને મળવા પહોંચી ગયો હતો. એના પગલે સુરક્ષા એજન્સીઓની પોલ ખૂલી ગઈ હતી. ત્યારે ચાંદખેડા પોલીસ મથકમાં વેન જોનસન વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. તેની ધરપકડના અંતે સમગ્ર તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપી દેવાઈ હતી.
બીજી તરફ, ગઈકાલે આરોપીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી પોલીસે દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે બચાવપક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે વેન જોનસનના એક દિવસના એટલે કે આજે સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં વેન જોનસનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
બંને પક્ષકારોની દલીલોનાં અંતે કોર્ટે શરતોને આધીન આરોપીના જામીન મંજૂર કર્યા છે. આ અંગે બચાવપક્ષના વકીલ વી એસ વાઘેલા કહ્યું હતું કે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તેમજ આરોપીએ જામીન અરજી રજૂ કરતાં કોર્ટે શરતોને આધીન જામીન પર મુક્ત કર્યો હતો. ફરિયાદ પક્ષ કે કોઈને નુકસાન ન પહોંચાડવું, તપાસ અધિકારી જ્યારે પણ બોલાવે ત્યારે તપાસમા સાથ સહકાર આપવો, ક્યાંય નાસી જવું નહીં તેમજ રહેઠાણનો પાકો પુરાવો અને મોબાઈલ નંબર વગેરે આપવો જેવી ચાર શરતોને આધીન 10 હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ પાસે આરોપીનો પાસપોર્ટ જપ્ત રહેશે. આરોપીએ પાસપોર્ટ છોડાવવા માટે અલગથી અરજી કરવી પડશે.
ગઈકાલે કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી પર બે ગુના અગાઉથી નોંધાયેલા છે અને આરોપી અગાઉ ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પણ આ પ્રકારે સ્ટેડિયમમાં ઘૂસી ગયો હતો, જ્યાં તેને ઓસ્ટ્રેલિયન કોર્ટે દંડ ફટકાર્યો હતો. આરોપી છેલ્લાં આઠ વર્ષથી તેનાં માતા-પિતાથી અલગ રહે છે. આરોપી આ ટીશર્ટ ઓસ્ટ્રેલિયાથી લાવ્યો હતો અને તેની ટીશર્ટ પર પેલેસ્ટાઇન નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આરોપીએ ઇન્ડિયાની ટીશર્ટની અંદર પેલેસ્ટાઇનવાળું ટીશર્ટ પહેર્યું હતું.