ખેડામાં આયુર્વેદિક સીરપના નામે થતાં નશામાં પાંચના મોતના મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમારી કોઈ જવાબદારી નથી તેમ કહી હાથ ખંખેરી નાખ્યા છે. ખેડાના નશાકારક કફ સીરપના મોમલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફ આંગળી ચીંધાતા વિભાગ તરત જ હરકતમાં આવી ગયું છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના એચ જી કોશિયાએ ખેડાના મોતના મુદ્દે તેમના વિભાગની કોઈપણ પ્રકારની સંડોવણી કે જવાબદારી નથી તેવી સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં બહારના રાજ્યોમાંથી લાવીને આ પ્રકારના નશાકારક પીણા વેચાય છે તેમા તેઓ કશું ન કરી શકે.
ખેડા જિલ્લાના બિલોદરા ગામમાં યોગેશ સિંધી નામનો સપ્લાયર હતો અને તેણે અમારી પાસે લાઇસન્સ માંગ્યું હતું, પરંતુ અમે તેને લાઇસન્સ આપ્યું ન હતું. તેણે યોગી ફાર્માના નામે લાઇસન્સ માંગ્યુ હતુ. આ ઉપરાંત દવાના ઉત્પાદક તરીકે હરિયાણાની કંપનીનું નામ છે તે પણ બોગસ લાગે છે. આ ઉપરાંત તેના પર દર્શાવેલું સરખેજનું સરનામું પણ બોગસ લાગે છે. ગુજરાતમાં પાંચ લોકો પાસે આ દવા બનાવવાની પરવાનગી હતી, બે વર્ષ પહેલા તમામના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે કોઈપણ પ્રોડક્ટમાં 12 ટકાથી ઓછો આલ્કોહોલ હોય તો તેના વેચાણ માટે મંજૂરીની જરૂર પડતી નથી. આ ઉપરાંત ગુજરાત બહારના કોઈપણ ઉત્પાદન માટે અમારી જવાબદારી નથી. મિથાઇલ ભેળવીને વેચાણ થાય તો આ દવા નુકસાનકારક નીવડે છે, ફોરેન્સિક ટીમ અને જરૂર પડશે તો અમારી ટીમ આની તપાસ કરશે.
ગુજરાતમાં કુલ 915 આયુર્વેદિક દવાના ઉત્પાદકો છે. આયુર્વેદિક દવાની ગુણવત્તા સારી હોય છે. આસવ અરિષ્ઠ આયુર્વેદિક દવાની કેટેગરી છે. આ દવા શ્વાસની તકલીફમાં ઉપયોગી છે. ગુજરાત ડ્રાયસ્ટેટ હોવાથી નશાકારક પદાર્થોના ઉત્પાદન માટે છૂટ નથી, એટલું જ નહી દવામાં પણ ઉપયોગમાં લેવાતા આવા પદાર્થો માટે મંજૂરીની જરૂર હોય છે.