બંગાળની ખાડીમાંથી શરૂ થયેલા વાવાઝોડા મિચૌંગે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને સતત ત્રણ દિવસ સુધી ઘમરોળ્યા પછી રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યુ કે વાવાઝોડુ નબળું પડી ગયું છે અને તેના પ્રભાવથી હવે વધારે નુકસાન નહીં થાય. જોકે, હજુ પણ તેની અસર ભારતના દક્ષિણ રાજ્યોમાં વરસાદ ગુરૂવાર સુધી પડી શકે છે.હવામાન વિભાગે માઇક્રોબ્લોગિંગ સાઇટ એક્સ પર રાત્રે 2.04 વાગ્યે અપડેટ આપ્યુ છે.
હવામાન વિભાગે લખ્યુ, “વાવાઝોડુ મિચૌંગ નબળું પડીને મધ્ય તટીય આંધ્ર પ્રદેશ પર ઊંડા દબાણમાં બદલાઇ ગયું છે. બાપટલાના ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં લગભગ 100 કિમી અને ખમ્મમથી 50 કિમી દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. આગામી 6 કલાકમાં આ નબળું પડીને એક ડિપ્રેશનમાં બદલાઇ જશે અને તેના 6 કલાક દરમિયાન તે નબળું પડશે.”
વાવાઝોડાના પ્રભાવથી સતત ભારે વરસાદ અને અન્ય કારણોથી ચેન્નાઇમાં 17 લોકોના મોત થયા છે જ્યારે તિરૂપતિમાં એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. ન્યૂઝ એજન્સી અનુસાર વાવાઝોડુ બાટલા નજીક આંધ્ર પ્રદેશના દરિયા કિનારાને પાર કરતા પોતાની પાછળ ભારે નુકસાનના નિશાન છોડી ગયું છે. અધિકારીઓએ જણાવ્યુ કે તોફાનથી રસ્તા 770 કિલોમીટર સુધી ક્ષતિગ્રસ્ત થયા છે. એક અધિકારીએ કહ્યું કે વાવાઝોડાના પ્રભાવથી 194 ગામ અને બે કસ્બાના લગભગ 40 લાખ લોકો પ્રભાવિત થયા છે જેમાં 25 ગામ પૂરની ઝપેટમાં આવ્યા છે.
આંધ્ર ઉપરાંત ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડયો હતો. વાવાઝોડાની સૌથી વધુ અસર ચેન્નાઇમાં પણ જોવા મળી રહી છે. ચેન્નાઇ તેમજ તામિલનાડુના અનેક વિસ્તારોમાં વિજળી ગૂલ રહી હતી, જ્યારે મોબાઇલ સેવા પણ ઠપ થઇ ગઇ હતી.
દરમિયાન આંધ્ર પ્રદેશમાં જ્યારે વાવાઝોડુ પ્રવેશ્યું હતું ત્યારે પવનની ગતિ પ્રતિ કલાક ૧૦૦ કિમીની હતી. વાવાઝોડા સાથે ભારે વરસાદ પણ પડયો હતો. કમોસમી વરસાદને કારણે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં કૃષિ ક્ષેત્રે પણ ભારે નુકસાન થયું હતું. છેલ્લા ૨૪ કલાકમાં જે ૧૨ લોકો માર્યા ગયા છે તેમાંથી સાતના મોત ચેન્નાઇમાં થયા છે. તામિલનાડુમાં આશરે નવ જિલ્લાઓ વાવાઝોડાની અસર જોવા મળી, જેથી હજારો લોકોને રેસ્ક્યૂ કરાયા છે. હાલમાં તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તેલંગણામાં એનડીઆરએફની ૨૯ ટીમોને તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડુ આંધ્રના સમુદ્રી વિસ્તારોમાં ભારે અસર પહોંચાડીને બાદમાં ઓડિશા અને તમિલનાડુ તરફ આગળ વધ્યું હતું. જોકે તમિલનાડુ જેટલી અસર અન્ય રાજ્યોમાં નહોતી જોવા મળી.