ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં એકસાથે નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા આ કેસમાં તેઓને બિન તહોમત છોડી મૂકવા માટે દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી કરાઇ છે, જેની સુનાવણીમાં આજે આરોપી પિતા-પુત્ર તરફ્થી હાઇકોર્ટ સમક્ષ બચાવ રજૂ કરાયો હતો કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત એ તેમના દ્વારા જાણીબૂઝીને ઇરાદાપૂર્વકનું કરાયેલું ગુનાહિત કૃત્ય નથી પરંતુ આ એક અજાણતાં થયેલો અકસ્માત હતો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલ પર મુકરર કરી હતી.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે ઈપીકોડની વિવિધ કલમો અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને પોલીસે માત્ર એક જ સપ્તાહમાં 1684 પાનાનું ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ કેસમાં ત્રણ મહિના ઉપરાંતના સમયથી આરોપી તથ્ય પટેલ જેલમાં છે. ગયા મહિને પ્રજ્ઞેશ પટેલને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા આ કેસમાંથી તેઓને બિન તહોમત છોડી મૂકવા દાદ માંગતી ડિસ્ચાર્જ અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાઇ હતી. જેમાં આરોપી પિતા-પુત્ર તરફ્થી એવો બચાવ રજૂ કરાયો હતો કે, આરોપી દ્વારા જે અકસ્માત સર્જાયો તે જાણીબૂઝીને કે ઇરાદાપૂર્વકનું કૃત્ય નથી. આ એક આકસ્મિક ઘટના હતી. પોલીસે આ કેસમાં સાપરાધ મનુષ્ય વધ સહિતની અન્ય ગંભીર કલમો લાગુ પાડી છે, તે પણ લાગુ પડી શકે નહી. પોલીસે આકરી કલમો લાગુ પાડી ભોગ બનાવ્યા છે પરંતુ વાસ્તવમાં આ કલમો અસ્થાને છે.
આમ, તેમની વિરુદ્ધ ખોટી રીતે કેસ કરી ગંભીર કલમો દાખલ કરવામાં આવી હોઇ તેઓને આ કેસમાંથી બિન તહોમત છોડી મૂકવા જોઇએ.