ગાંધીનગરમાં વાહન ચોરીના બનાવો યથાવત જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ બે વાહન ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ભાટગામે રહેતા યુવાન ઘર આગળ રાત્રિ દરમિયાન બાઇક પાર્ક કર્યું હતું. ત્યારે તસ્કરોએ પરિવાર સૂઈ ગયો હતો ત્યારે બાઈકની ઉઠાંતરી કરી હતી. બીજા બનાવમાં કોટેશ્વર ગામનો યુવાન પોતાનું બાઈક ઝુંડાલ બ્રીજ નીચે પાર્ક કરીને નોકરી ગયો હતો. બાઇક પરત લેવા માટે આવતા ચોરી થયાનું માલૂમ પડયું હતું તેથી બંને બનવાની ફરિયાદ અડાલજ પોલીસે નોંધી વધુ તપાસ આદરી છે. ગાંધીનગરના ભાટગામે રહેતા સુનિલ કનુભાઈ ઠાકોર ભાટગામે આવેલ એપોલો હોસ્પીટલમાં નોકરી કરે છે. ચાર દિવસ પહેલા રાત્રિના સમયે ઘરની બહાર દરવાજા પાસે બાઇક પાર્ક કરી સુઈ ગયા હતા. ત્યારે સવારે ઘરની બહાર તપાસતા બાઇક જોવા મળ્યું ન હતું. આજુબાજુમાં તપાસ કરતાં બાઇક મળી આવ્યું ન હતું તેથી અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી. બીજી તરફ કોટેશ્વર ગામે રહેતા સૂરજ લક્ષ્મણભાઈ સુથાર બાઇક લઇ નોકરી ઉપર જવા નીકળ્યા હતા. ત્યારે બાઇક ઝુંડાલ બ્રીજ નીચે પાર્ક કરીને સ્ટાફબસમાં બેસી નોકરી ઉપર ગયા હતા. નોકરી પરથી પરત ઘરે આવવા માટે ઝુંડાલ બ્રીજ નીચે પાર્ક કરેલી જગ્યાએ બાઇક લેવા માટે જતાં બાઈક જોવા મળ્યું ન હતું. આજુબાજુમાં તપાસ કરતાં બાઈકનો કયાંય પત્તો લાગ્યો ન હતો. શોધખોળ બાદ પણ બાઈક ન મળતા અંતે ચોરીની અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.