ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ઉત્તર ઝોન ભાજપા સંગઠનોની એક સંયુક્ત સંગઠનાત્મક બેઠક પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ ભાજપા મહામંત્રી રજની પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે યોજાઈ હતી.આ બેઠકમાં ઉત્તર ઝોન ભાજપા સંગઠનોના અધ્યક્ષ, પ્રભારીઓ તેમજ વિસ્તારકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા સંગઠન પ્રદેશ મહામંત્રી રત્નાકરજીએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોમોદીએ એક સમૃદ્ધ અને સશક્ત ભારતના નિર્માણ માટે યજ્ઞ આદર્યો છે. છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આરંભવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ વિકસિત ભારતના સંકલ્પને જન આંદોલન બનાવવાની યાત્રા છે. તેઓએ કહ્યું હતું કે આ યાત્રા પૂર્વે પ્રત્યેક ગામમાં સામૂહિક શ્રમ યજ્ઞના માધ્યમથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે. આ ઉપરાંત તેઓએ સરકારની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયા તેમજ મીડિયાના પ્રભાવિત ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત યાત્રા દરમિયાન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેક શનિવારે ૧૧ કલાકે દેશને સંબોધન કરશે તેવી માહિતી પણ આપી હતી. તો રજની પટેલે તેમના સંબોધનમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને ધ્યાનમાં રાખીને તમામ યોજનાઓ ધરાતલ પર આવે તેવા પ્રયાસો આદર્યા છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓથી એક પણ લાભાર્થી વંચિત ન રહે તે જોવાની આપણી સંગઠનાત્મક નૈતિક જવાબદારી બને છે. આ ઉપરાંત તેઓએ આંગણવાડી તેમજ સખી મંડળની બહેનોને સશક્ત બનાવવા માટે ડ્રોન દીદી તાલીમ કાર્યક્રમ ઉપરાંત નમો એપ પર ક્વિક પ્રતિયોગિતા તથા પ્રત્યેક માસમાં ઓછામાં ઓછું એક વખત ગ્રામ સફાઈ અભિયાન થાય તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ બુથ સશક્તિકરણ અભિયાનમાં તમામ ભાજપા સંગઠનોએ કરેલી કામગીરીને તેઓએ બિરદાવી હતી આ ઉપરાંત પ્રત્યેક બૂથ વધુ મજબૂત બને તે માટે સંયુક્ત પ્રયાસો કરવા અપીલ પણ કરી હતી.