વિશ્વનું સૌથી મોટું બિઝનેસ હબ ડાયમંડ બુર્સનું આખરે ઓપનિંગ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવામાં આવશે ત્યારે હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી ઉદ્યોગજગત સાથે જોડાયેલા લોકોને સેલિબ્રિટીઓ હાજર રહેશે. સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે નવી સિદ્ધિ હાસ્ય કરવા બરાબર છે.
17 ડિસેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ડાયમંડ બુર્સ કમિટી દ્વારા તમામ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડાયમંડ બુર્સ દ્વારા કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અને હજારો લોકોને ઇન્વિટેશન મોકલ્યા બાદ તેમની વ્યવસ્થા સારી રીતે થઈ શકે એ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અંદાજે 40,000 કરતાં વધારે લોકો ડોમમાં બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વર્લ્ડનો સૌથી મોટો બિઝનેસ બની રહ્યો છે ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગને વિશ્વ સ્થળ પર અલગ ઓળખ મળે એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકાર્પણ સમારોહમાં વિશ્વકક્ષાના ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હાજરી આપશે. એટલું જ નહીં, પરંતુ સાથોસાથ ક્રિકેટજગત હોય કે અન્ય ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવો હોય, તેમને વ્યક્તિગત રીતે ઇન્વિટેશન કાર્ડ મોકલવામાં આવ્યાં છે. ફિલ્મજગત સાથે સંકળાયેલા હોય કે ક્રિકેટમાં દિગ્ગજ ખેલાડી હોય, તેમની પણ સવિશેષ હાજરી આ કાર્યક્રમમાં રહેવાની છે.
ઉદઘાટન પહેલાં જ ગઈકાલે એક વિવાદ સામે આવ્યો છે. ડાયમંડ બુર્સનું નિર્માણ કરનારી બાંધકામ કંપનીને ડાયમંડ બુર્સના વહીવટદારોએ ઇમારત બાંધકામના 538 કરોડ ન ચૂકવતાં હવે એ બાંધકામ કંપનીએ કોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. ડાયમંડ બુર્સનું બાંધકામ પૂર્ણ થઇ ગયા બાદ પણ પીએસપી લિમિટેડ કંપનીને વહીવટદારો દ્વારા કાયદેસર બિલોનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યુ ન હતું. બાંધકામ કરનારી કંપની દ્વારા ડાયમંડ બુર્સ પર 538 કરોડ રૂપિયા અને કેસ દાખલ કર્યાની તારીખ સુધીનું વ્યાજ મળીને કુલ 631 કરોડનો ક્લેઇમ કરવામાં આવ્યો છે.
શરૂઆતમાં 5000 ચોરસફૂટના ભાવે ઓફિસ વેચનાર ડાયમંડ બુર્સે કુલ 6 જેટલી ઓફિસ હરાજી કરીને ભાવ વધારી બીજી ઓફિસો 35,000 ચોરસફૂટના ઊંચા ભાવે વેચીને અઢળક કમાણી કરી છે. ત્યારે હવે બાંધકામ કરનારી કંપનીનું પેમેન્ટ અટકતાં ઉદઘાટન પહેલાં જ વિવાદ વકર્યો છે.
કેસની માહિતી પોતાની વેબસાઇટ પર મૂકી પેમેન્ટ ન થતાં ના છૂટકે બાંધકામ કંપનીને કોર્ટનો સહારો લેવો પડ્યો છે. સુરતની નામદાર અદાલતે ડાયમંડ બુર્સને એક અઠવાડિયામાં 100 કરોડ રૂપિયા બેંક ગેરંટી તરીકે જમા કરાવવા હુકમ કર્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી 16 ડિસેમ્બરે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે બાંધકામ કરનારી કંપની દ્વારા આ કેસની માહિતી શેરહોલ્ડરોની જાણ માટે પોતાની વેબસાઇટ પર પણ મૂકવામાં આવી છે.
પીએસપી કંપનીના લિગલ એડવાઇઝર ભગીરથ પટેલે જણાવ્યું હતું કે ડાયમંડ બુર્સ બનાવવાનો કોન્ટ્રેક્ટ અમારા ક્લાયન્ટને મળ્યો હતો અને તેમણે સારી રીતે બિલ્ડિંગ બનાવ્યું હતું. બિલ્ડિંગ બની ગયા બાદ મેનેજમેન્ટને એ બિલ્ડિંગ હેન્ડઓવર કરી દેવામાં આવ્યું હતું. બાદમાં એનાં બિલો બનાવી મોકલવામાં આવતાં કોઇ કારણસર તેમણે પેમેન્ટ કર્યું નહિ. ઘણી બધી મિટિંગો અને મેઇલ બાદ પણ કોઇ નિરાકરણ ન આવતાં શેર હોલ્ડરોનાં હિતમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મિટિંગ કરી લીગલ એડવાઇઝ લેવામાં આવી હતી. 8થી 12 મહિના રાહ જોયા બાદ સુરત કોમર્શિયલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. દાવા પ્રમાણે હીરાબુર્સ પાસેથી મારા ક્લાયન્ટને 538 કરોડ રૂપિયા લેવાના થાય છે અને દાવો દાખલ કર્યો ત્યાં સુધીના વ્યાજ સહિત કુલ 631 કરોડનો દાવો કર્યો હતો. ત્યાર બાદ નામદાર કોર્ટે હીરાબુર્સને નોટિસ ઇસ્યુ કરી 7 દિવસમાં 100 કરોડની બેંક ગેરંટી કોર્ટમાં જમા કરાવવા આદેશ કર્યો છે. અને વધુ સુનાવણી આગામી 16 ડિસેમ્બરના રોજ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના ઉદઘાટન પ્રસંગને અને આ ફરિયાદને કોઈ લેવાદેવા નથી. વડાપ્રધાન ઉદઘાટન કરે એ અમારા માટે ગર્વની વાત છે, પરંતુ આ કોર્મશિયલ દાવો છે, આ નામદાર કોર્ટે જે તારીખ અવેલેબલ હતી એ આપી. આ દાવાની પ્રક્રિયાથી ઉદઘાટનમાં કોઇ વિક્ષેપ નહીં પડે એ અમારા તરફથી અમે ખાતરી આપીએ છીએ અને અમે પણ એવું ઇચ્છીએ છીએ કે ઉદઘાટન પ્રસંગમાં કોઈ વિક્ષેપ ના પડે.
આગામી 7 દિવસમાં જો બેંક ગેરંટી નહીં આપવામાં આવે તો 16મી તારીખે નામદાર કોર્ટ નિર્ણય લેશે. જો આ દરમિયાન બેંક ગેરંટી નહીં ભરાય તો નામદાર કોર્ટને યોગ્ય લાગે એ પ્રમાણે નિર્ણય લેશે. અમારા પૈસા સિક્યોર થાય એ માટે અમે બાકીની ઓફિસનું નવું ઓક્શન ન કરીએ એ માટે અમે દાદ માગી છે. આ માટેનો નિર્ણય કોર્ટ લેશે.
ડાયમંડ બુર્સના કમિટી સભ્ય લાલજી પટેલે જણાવ્યું હતું કે અમારે એકપણ રૂપિયો આપવાનો નીકળતો નથી અને આપવાના પણ નથી. આ બાંધકામનો કોન્ટ્રેક્ટ PS પટેલને આપવામાં આવ્યો હતો. 98 ટકા રૂપિયા ચૂકવી દીધા છે. બે ટકા રૂપિયા ચૂકવવાના બાકી છે. કામ જેટલું બાકી છે એટલા જ રૂપિયા ચૂકવવાના બાકી છે. જેમ-જેમ કામ પૂર્ણ થવા લાગ્યું એમ રૂપિયા આપવામાં આવ્યા છે. એડવાન્સ રૂપિયા પણ આપવામાં આવ્યા છે. કોરોનાનું બહાનું કાઢીને ખોટી માગણી પી.એસ પટેલની કંપની કરી રહી છે. ખાલી બે ટકા રૂપિયા આપવાના બાકી છે. કોન્ટ્રેક્ટરોનું કામ બાકી છે. કામ પૂર્ણ થશે તો અમે રૂપિયા ચૂકવી આપીશું. કોરોનાનું બહાનું કાઢી અમારી પાસે એક્સ્ટ્રા રૂપિયા માગી રહ્યા છે. કોરોનાના રૂપિયા દેવાના થતા નથી.