અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાં રોજની 20થી વધુ ગાયોના મૃત્યુ થઇ રહ્યા હોવાના આક્ષેપ સાથે માલધારીઓ ઢોરવાડા બહાર ધરણા પર બેઠા છે. આજ સવારથી જ માલધારીઓ ધરણા પર બેઠા છે. તેમને આક્ષેપ કર્યો છે કે રોજની અમારી 20થી 25 ગાયો ઢોરવાડામાં ભૂખી તરસી મૃત્યુ પામી રહી છે. અને જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. તો આ તરફ ગાયોના મૃત્યુને પગલે કોર્પોરેશન દ્વારા પોસ્ટમોર્ટમ કરાતા તેમાં મૃત ગાયોના પેટમાંથી મોટી સંખ્યામાં પ્લાસ્ટિક મળી આવ્યું હતુ અને તેના કારણે મૃત્યુ થયો હોવાનો ખુલાસો થયો છે. તો હવે માલધારીઓના સમર્થનમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા ઢોરવાડાએ પહોંચતા રાજકારણ શરૂ થઇ ગયુ છે.
ગાયોના મૃત્યુ મામલે માલધારી સમાજની પડખે કોંગ્રેસ ઢોરવાડામાં ગાયોના મૃત્યુ મામલે માલધારી સમાજની પડખે હવે કોંગ્રેસ જોડાયું છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિત રાજશ્રી કેસરી, ઈકબાલ શેખ, ઝુલ્ફીખાન પઠાણ, તસ્લીમ આલમ શેખ, કામિની ઝા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઢોરવાડા ખાતે પહોંચ્યા હતા. તેઓએ માલધારી સમાજની રજૂઆતને સાંભળી હતી.
માલધારીઓના સમર્થનમાં પહોંચેલા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે શહેરમાં રખડતી ગાયને પકડીને જ્યારે ઢોરવાડામાં લાવવામાં આવે છે ત્યારે હાઇકોર્ટના નિયમ મુજબ યોગ્ય વ્યવસ્થા સાથે રાખવાની હોય છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાં જ્યારે જોયું ત્યારે ક્ષમતા કરતા વધારે ઢોર રાખવામાં આવી રહ્યા છે અને પૂરતો ઘાસચારો આપવામાં આવતો નથી. ડબલ એન્જિન સરકાર તેમની જવાબદારીમાંથી છટકી રહી છે. ગૌ માતાના નામે મત લેનારી સરકારના ઢોરવાડામાં જોતા 10×10ની જગ્યામાં ગાયને રાખવાની હોય તેની જગ્યાએ ખીચોખીચ ગાયો રાખવામાં આવી છે. શ્વાસ પણ ન લઈ શકે તેવી પરિસ્થિતિમાં ગાયોને પુરવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં તેને ઘાસ અને પાણી પણ આપવામાં આવતુ નથી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઢોરવાડામાં 5,000 જેટલી ગાયો રાખવામાં આવી છે જેમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારો હોવો જોઈએ તેટલો ઘાસચારો અહીંયા ઉપલબ્ધ નથી. એક પણ ગાયના મોઢા પાસે ઘાસચારો જોવા મળતો નથી. જે પણ ગાયોના મૃત્યુ થાય છે તે ગાયોનો યોગ્ય રીતે નિકાલ કરવાનો હોય છે ગાયોને દાટીને માન સન્માન સાથે નિકાલ કરવાનો હોય છે પરંતુ પાછલા બારણે ચામડા ઉતારતા કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરવામાં આવે છે. ગાયોને ત્યાં રઝડતી મૂકી દેવામાં આવે છે અને છોડી દેવામાં આવે છે. ગાયોના ચામડાનો વેપાર કરવામાં આવે છે. ગાયોના યોગ્ય રીતે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવતા નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાં રોજની 20 જેટલી ગાયોના મૃત્યુ થયા હોવાના આક્ષેપ માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યા છે. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા મૃત્યુ પામેલી ગાયોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃત્યુ પામેલી ગાયોના પેટમાંથી મોટી સંખ્યામાં પ્લાસ્ટિક અને કપડા જેવી વસ્તુઓ નીકળી છે. જઠરની આસપાસ પ્લાસ્ટિક વધારે સંખ્યામાં હતું.
માલધારીઓ દ્રારા રોડ પર રખડતી ગાયો મૂકી દેવામાં આવે છે. જેના કારણે ગાયો રોડ ઉપર ફેંકવામાં આવતા પ્લાસ્ટિક સહિતનો કચરો ખાય છે અને ત્યારબાદ તેને પકડવામાં આવે છે તો કોર્પોરેશન દ્વારા તેને લીલું ઘાસ ખવડાવવામાં આવે છે અને આ કારણોસર ગાયોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.
અગાઉ આજે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાં રોજની 20થી વધુ ગાયોના મૃત્યુ થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે માલધારીઓએ તંત્રની સામે બાયો ચઢાવી હતી. માલધારીઓ ઢોરવાડાની બહાર જ ધરણા પર બેસી ગયા હતા. માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે રોજની અમારી 20થી 25 ગાયો ઢોરવાડામાં ભૂખી તરસી મૃત્યુ પામી રહી છે. જને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવે.
માલધારી આગેવાન કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે શનિવારે સાંજે માલધારીઓ પોતાની ગાયો જોવા માટે દાણીલીમડા વિસ્તારમાં આવેલા ઢોરવાડા ખાતે પહોંચ્યા હતા. જે ગાયો મૃત્યુ પામી હતી તે ગાયોને ડબ્બામાં ભરી અને ગ્યાસપુર ખાતે નિકાલ માટે લઈ જવામાં આવતી હતી. ઢોરવાડામાં હાજર સીએનસીડી વિભાગના અધિકારીઓ અને પોલીસને કહ્યું હતું કે આ ડબ્બામાં અમારી ગાયો છે કે કેમ તે બતાવો. ત્યારે પોલીસ અને અધિકારીઓએ કહ્યું હતું તમારા બિલ્લા લઈને આવો અમે તમને સવારે ગાયો બતાવીશું. રાત્રે પોલીસે અમને જાણ કરી હતી કે કોઈપણ ગાડીને તમે અટકાવશો નહીં જેથી અમે રાત્રે કોઈપણ પ્રકારનું ઘર્ષણ કર્યું નહોતું. જોકે આજે સવારે ચાર ગાડીઓ અહીંયાથી રવાના થઇ છે એટલે કે લગભગ 30 જેટલી ગાયો મૃત્યુ પામી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ચોરી છે. જેથી અમે આજે સવારથી માલધારીઓ ઢોરવાડાની બહાર ધરણા ઉપર બેસી ગયા છીએ. રોજની 20થી 25 ગાયો કેવી રીતે મૃત્યુ પામી શકે. અમારી એક જ માગ છે કે સીએનસીડી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે.