ગાંધીનગરના સેક્ટર – 23 ની ઈગ્લિશ મીડિયમ સ્કૂલની શિક્ષિકાને અજાણ્યા ઈસમે ફોન કરીને બેંક એકાઉન્ટ અપડેટ કરવાનું કહીને વોટ્સઅપ થકી લિંક મોકલી આપી હતી. જે લિંકને ઓપન કરતા જ ગઠિયાએ ફોન હેક કરી બારોબાર 3 લાખ 80 હજાર બેંક એકાઉન્ટમાંથી ઉપાડી લઈ શિક્ષિકાને ચૂનો લગાવ્યો હતો. જેથી સેક્ટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શિક્ષિકાએ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરેલી છતાં એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જતા પોલીસ પણ ગોથે ચડી છે.
ઓનલાઇન છેતરપિંડીનાં અઢળક કિસ્સા પ્રકાશમાં આવતાં હોવા છતાં ઘણા ભણેલા ગણેલા નાગરિકો ગઠિયાઓની જાળમાં આસાનીથી ફસાઈને આર્થિક નુકસાની ભોગવી રહ્યા છે. થોડા વખત અગાઉ સેક્ટર – 22 નાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો આઈફોન હેક કરી વોટ્સઅપની પણ સિક્યોરિટી બદલી નાખી ગઠિયાઓએ પરિચિતોને પૈસાની જરૂરિયાત હોવાના મેસેજ કરીને ચારેક લાખ મેળવી લીધા હતા. ત્યારે હવે ઇંગ્લિશમાં વિદ્યાર્થીઓને જ્ઞાન આપતાં સેકટર – 22 ની શિક્ષિકાને પણ લાખોનો ચુનો લાગ્યો છે.
ગાંધીનગર સેક્ટર – 22 જૈન દેરાસર સામે અહંતનવકાર બિલ્ડીંગ ખાતે રહેતા શિલ્પાબેન જયેશકુમાર તન્ના સેક્ટર-23 એમ.બી.પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં શિક્ષિકા તરીકે તરીકે નોકરી કરે છે. 12 મી ડિસેમ્બરે શિલ્પાબેન સ્કૂલમાં હતા. એ વખતે મોબાઈલના વોટ્સઅપ ઉપર તેમની બેન્કનું એકાઉન્ટ બ્લોક થઈ હોવાથી અપડેટ કરવાનો મેસેજ આવ્યો હતો. એટલે ફ્રોડ મેસેજ માનીને તેમણે એ નંબર બ્લોક કરી દીધો હતો.
ત્યારબાદ સાંજના સમયે એક અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન કોલ આવતાં શિક્ષિકાએ રિસીવ કર્યો હતો. જેમાં સામાવાળા વ્યક્તિએ એકસીસ બેન્કમાંથી બોલું છું, તમે મારો નંબર બ્લોક કરેલો છે તેને અનલોક કરો, મેં વોટસએપ ઉપર એક એપ્લીકેશનની ફાઇલ મોકલી આપેલ છે. જે ઓપન કરો અને જણાવેલ વિગતો જાતે જ ભરો જેથી તમારું એકસીસ બેન્કનું એકાઉન્ટ અપડેટ થઈ જશે. જો કે આ વખતે શિક્ષિકા ગઠિયાની વાતોમાં આવી ગયા હતા અને તેમણે વોટ્સઅપમાં આવેલી apk ફાઇલ ઓપન કરી હતી. જેમાં ડેબિટ કાર્ડ સહિતની વિગતો માંગવામાં આવી હતી. જો કે શિક્ષિકાએ તે વિગતો ભરી ન હતી. તે પછી થોડીવારમાં જ તેમનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને ક્યાંય ફોન લાગતો ન હતો.
બાદમાં તેમના ફોનમાં પૈસા કપાયા બાબતેનાં ઓટીપી મેસેજ આવવા લાગ્યા હતા. જેમાં રૂ. 1.80 લાખનો પણ ઓટીપી મેસેજ હતો. આથી શિક્ષિકાએ તુરંત કસ્ટમર કેરમાં કોલ કરી પોતાનું એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધું હતું. ત્યારબાદ સાઈબર ક્રાઈમમાં પણ ફરિયાદ કરી દીધી હતી. આટલું કર્યા પછી શિક્ષિકાએ રાહત અનુભવી હતી.
જો કે એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું તેમજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હોવા છતાં મોડીરાતનાં તબક્કાવાર રૂ. 2 લાખ તેમજ રૂ. 1.80 લાખ બેંક એકાઉન્ટમાંથી ડિબેટ થઈ ગયાનો ઈમેલ આવતાં શિક્ષિકા ચોંકી ઉઠયા હતા. આમ એકમાત્ર apk ફાઇલ ઓપન કરતાં જ શિક્ષિકાનો મોબાઇલ હેક થઈ ગયો હતો. તદુપરાંત બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું, સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી તકેદારી રાખી હોવા છતાં તેમના એકાઉન્ટમાંથી રૂ. 3.80 લાખ ઉપડી જતાં સેકટર – 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.