મેયર શ્રીમતી પ્રતિભા જૈન તથા અસારવાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિ
અંદાજીત ₹ 3 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર નિર્માણ થયેલ કોલેજ શ્રવણ દોષ, સાંભળી ન શકતા બાળકો માટે વરદાન સાબિત થશે
છેલ્લા દસ વર્ષમાં રાજ્યમાં અંદાજીત રૂ. 210 કરોડના ખર્ચે 3000 થી વધુ બાળકોની કોકલિયર ઇમ્પ્લાન્ટ સફળ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી
જન્મના પાંચ-છ વર્ષ સુધી પણ બાળક માતા-પિતાનો અવાજ સાંભળી ન શકે તે ક્ષણ સંવેદનશીલ હોય છે – રાજ્ય સરકારે વાલી બનીને બાળકોની આ સંવેદના દૂર કરવાનું કાર્ય કર્યું છે
અમદાવાદ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ મેડીસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટ ખાતે ગુજરાતની સંપૂર્ણ સરકારી પ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભા જૈન તથા અસારવાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબહેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત રૂપિયા ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ કૉલેજ શ્રવણ દોષ, સાંભળી ન શકતા બાળકો માટે વરદાન સાબિત થશે.બાલ્યાવસ્થાના વાણી અને ભાષાના ડીસોડર્સ , ડેવલોપમેન્ટ લેંગ્વેજ, અવાજના રોગ , તોતડાપાડાની સમસ્યા, વચાઘાત , ખોરાક ગડવાની તકલીફ ,સમજવાની તકલીફ અવાજ ન નીકળવો, સંભળાવવાની નસ અને મધ્યકર્ણની તકલીફો જેવી તપાસ નિદાન અને સારવારમાં કારગર સાબિત થશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રથમ મેડીસિટીના નવ રત્નો પૈકીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને પેરાપ્લેઝીયા મણકાના દર્દીઓ તેમજ દિવ્યાંગજનો માટે અલાયદું કાર્ય કરતી સંસ્થા છે. આ સંસ્થા રાજ્યની અન્ય સંસ્થાઓ માટે રોલ મોડલ બની રહેશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન સિવિલ મેડીસિટીના જોયેલા સ્વપ્નના ફળ આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં મળી રહ્યા છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અમદાવાદ સિવિલ મેડીસિટીમાં તમામ વિભાગોમાં ગુજરાતના જ નહીં પરંતુ પાડોશી રાજ્યોના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે. નવજાત બાળકોમાં શ્રવણદોષ કે વાણી અને ભાષાની સમસ્યા હોય તેમના માતા પિતા ચિંતિત રહેતા હોય છે ત્યારે આ ચિંતા દૂર કરવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે. સાથે આવા બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવવાનું કાર્ય સરકાર કરી રહી છે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં જે રેડીયોલોજીસ્ટ તૈયાર થઈ રહ્યા છે તેમની માટે પણ રાજ્ય સરકાર વિચારી રહી છે. છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં 3000થી વધુ બાળકોની કોકલીયર ઇમપ્લાન્ટ સર્જરી વિનામૂલ્યે કરાઈ છે. આવી સર્જરીનો ખર્ચ પ્રત્યેક દર્દી અંદાજિત રૂ. 7 લાખ જેટલો થાય છે.મંત્રીશ્રીએ વધુ ઉમેરતાં કહ્યું કે, સરકાર અને સમાજ બંનેના સહયોગથી જ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું નિર્માણ થશે. આજે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ આપને દ્વાર આવી રહી છે.મંત્રીશ્રીએ કહ્યું કે, મેડિકલ ટુરિઝમ જેવો શબ્દ પહેલીવાર બન્યો છે તેનું કારણ એ છે કે, મેડિકલ ક્ષેત્રે રાજ્યમાં અનેક કાર્યો થઈ રહ્યા છે.આ પ્રસંગે મંત્રીશ્રીએ કોકલીયર ઇમ્પ્લાન્ટ કરેલ નવજાત બાળકો સાથે સંવાદ સાધ્યો હતો. સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલે સંસ્થાની કામગીરી, પ્રગતિ, ભાવિ આયોજન થી મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. જયેશ સચદેવ, મેડીસિટીના વિવિધ હોસ્પિટલના ડાયરેકટર, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, મેડિકલ કોલેજના ડીન ઉપસ્થિત રહ્યા હતા.