પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કંકોડાકોઇ ગામમાં જ્ઞાતિવાદનું વેર રાખીને પ્રસુતિ બાદ મોતને ભેટેલી મહિલાના અંતિમ સંસ્કાર અટકાવ્યાનો ગ્રામજનો પર આરોપ લાગ્યો છે. પરિવારજનોનો આરોપ છે કે ગામના સ્મશાનમાં ગ્રામજનોએ મહિલાના અંતિમ સંસ્કાર અટકાવ્યા છે. અને 2 દિવસ સુધી મહિલાના મૃતદેહને ઘરમાં રાખવાની નોબત આવી છે.આખરે સ્માશાનમાં પ્રવેશ ન મળતા પરિવારજનોએ પોતાના ખેતરના છેડે મહિલાના મૃતદેહને અગ્નિદાહ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે.સરપંચે જણાવ્યું હતું કે, સ્માશાનમાં અગ્નિદાહની ગ્રામજનોએ મંજૂરો નહોતી આપી. સ્મશાન ગૃહને વિધિવત રીતે શરૂ ન કરાયું હોવાથી ગ્રામજનોએ ઇન્કાર કર્યાનો દાવો ગામના સરપંચે કર્યો છે.તો નાયક સમાજના અગ્રણીએ જ્ઞાતિવાદના આરોપો ફગાવ્યા છે. અને દાવો કર્યો કે નવનિર્મિત સ્મશાનનું વિધિ વિધાન કરવાનું બાકી હોવાથી પરિવારને અટકાવ્યા હતા.તો આ સાથે જ દાવો કર્યો કે સમગ્ર મામલે જે તે સમયે સમાધાન પણ કરી દેવામાં આવ્યું હતું. એક તરફ કાળા માથાનો માનવી ભલે ચંદ્ર પર પહોંચી ગયો.પરંતુ સમાજનો એક ખૂણો એવો પણ છે જ્યાં જ્ઞાતિવાદનું ભૂત આજેપણ ધૂણી રહ્યું છે.ઘોઘંબાની આ ઘટના ચાડી ખાઇ રહી છે કે સમાજ આજે પણ રૂઢિચુસ્ત માન્યતાઓને વળગી રહ્યો છે.અને જેનો શિકાર સમાજનો એક વર્ગ આજેપણ બની રહ્યો છે.