દાદા દિલ્હી પહોંચ્યા અને ગુજરાતનાં રાજકારણમાં ચર્ચા શરૂ, ગુજરાતમા કંઇક નવું થવાનું છે…

Spread the love

ગુજરાતમાં વિપક્ષના ધારાસભ્યોના રાજીનામા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં લાંબી બેઠક યોજાઈ હતી. મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં ગુજરાતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 ડિસેમ્બરે તેમની બીજી ઇનિંગનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું. આ સમયે એકાએક સીએમ દિલ્હી પહોંચતાં ગુજરાતમાં પણ અનેક ચર્ચાઓ જાગી છે. ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ કેબિનેટ વિસ્તરણની ફરી અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલા અનેક સવાલોના જવાબ મળી શકે તેવી ચર્ચા છે. 20 ડિસેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં બેઠક થઈ હતી. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં ગુજરાતની ચર્ચા થઈ હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતા મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારીઓ અંગે પીએમ મોદીને માહિતી આપી હતી, ત્યારે રાજ્યના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદી અને સીએમની લાંબી મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું ગુજરાતમાં કંઈક મોટું થવાનું છે. સરકાર અને સંગઠનના મોરચે મોટા ફેરબદલ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચેની આ મુલાકાત લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ બેઠકમાં સરકારની કામગીરી અને 2024ની ચૂંટણી પહેલા સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત ભાજપની કોર ટીમમાં છ મોટી જગ્યાઓ ખાલી છે. જેમાંથી બે પદ રાજ્ય મહામંત્રીઓના છે. ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ આ જગ્યાઓ ખાલી પડી છે. પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશ મહામંત્રી હોવા ઉપરાંત ગાંધીનગર સ્થિત કમલમના પ્રભારી પણ હતા. આવી સ્થિતિમાં, જ્યારે પાર્ટી 2024ની ચૂંટણીમાં 400 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે, ત્યારે પાર્ટી સંગઠનને મજબૂત કરીને આગળ વધવા માંગે છે. ગુજરાતની ભૂપેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે તેના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી હતી. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરી સરકાર રચાયા બાદ ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને અટકળો ચાલી રહી છે. હવે જોવાનું એ રહે છે કે રાજ્યમાં 2024ની ચૂંટણી પહેલા કેબિનેટનું વિસ્તરણ થાય છે કે નહીં. રાજ્યમાં અનેક કોર્પોરેશનોમાં ચેરમેનની જગ્યાઓ પણ ખાલી પડી છે. આના પર પણ નિમણૂકો થવાની બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *