ખેતી પાકમાં સિંચાઈ માટે ખેડૂતોને રાત્રિના ઉજાગરા ન કરવા પડે તે માટે જગતના તાતે અનેકવાર દિવસે વીજળી મળે તે અંગેની રજૂઆત કરી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. જેમા તેમણે અરવલ્લીના મોડાસામાંથી જાહેરાત કરતા જણાવ્યુ છે કે, ખેડૂતોને સવારે વીજળી જોઇએ છે તો આવતા ડિસેમ્બર સુધીમાં દિવસે વીજળી મળતી થઇ જશે.
અરવલ્લી જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા ઘણાં જ હળવા મૂડમાં જણાવ્યુ છે કે, આપણે 24 કલાક વીજળી આપીએ છીએ પરંતુ ખેડૂતોની માંગ સવારે વીજળીની છે. તેથી મંત્રીશ્રી કનુભાઇને પૂછ્યે કે આ કામ ક્યારે પુરૂં કરશે? જે બાદ તેમણે કહ્યુ કે, આ ડિસેમ્બરમાં અમે આવી ગયા છીએ હવે આવતા ડિસેમ્બર સુધીમાં આવીએ ત્યાં સુધી તમને દિવસે વીજળી મળતી થઇ જશે.
નોંધનીય છે કે, કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત અનેક વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી. દિવસે વીજળી ન મળતા ખેડૂતો રાત્રે પિયત કરવા મજબૂર બને છે. સરકાર ફીડરની લંબાઈ, વિભાજનના કારણો આગળ ધરે છે. ખેતીની વીજળી માટેના જરૂરી લોડનું પણ કારણ આગળ ધરવામાં આવે છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત રવિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બુધવારે દિલ્હી બોલાવતા પાટનગરમાં અનેક ચર્ચા જોર પકડ્યું છે. આજે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બપોરે અઢી વાગે દિલ્હી જવા રવાના થશે. અચાનક જ દિલ્હી જવાના કાર્યક્રમો પાટનગરમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બોર્ડ નિગમમાં નિમણૂંક મુદ્દે, આગામી વાઇબ્રન્ટ સમિટમાં આવનાર સંભવિત રોકાણો મુદ્દે ચર્ચા થવાની સંભાવનાઓ જોવાઇ રહી છે.
આ ઉપરાંત પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી કે કૈલાશ નાથનના એક્સટેન્શનના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હોય તેમ પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે ચર્ચા એવી પણ છે કે, રાજ્યના વિકાસલક્ષી પ્રોજેકટ મુદ્દે સીએમ પીએમને રિપોર્ટ આપી શકે છે.