વર્ષોથી ગુજરાતીઓનું એક જ સપનુ રહ્યું છે વિદેશમાં વસવું અને ડોલરમાં કમાણી કરવી. વિદેશમાં સેટલ્ડ થયેલા ગુજરાતીઓને હંમેશા માનપાનની નજરે જોવામાં આવે છે. કેનેડા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સેટલ્ડ થવુ એ દર બીજા ગુજરાતીનું ખ્વાબ હોય છે. પરંતું હવે આ ખ્વાબ ચકનાચૂર થઈ રહ્યું છે. એક નવો રિવર્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં લોકો વિદેશ જવાને બદલે વિદેશથી પરત ભારત આવી રહ્યાં છે.
બે વર્ષમાં સિનારીયો બદલાયો
થોડા વર્ષો પહેલા તમે શાહરૂખ ખાનની સ્વદેશ ફિલ્મ જોઈ હતી. જેમાં તે નાસામાં નોકરી છતા પોતાના લોકો વચ્ચે આવીને ભારતમાં વસવાનું પસંદ કરે છે. આ ફિલ્મ હવે વિદેશમાં રહેતા લાખો લોકો માટે પ્રેરણારૂપ બની છે. વિઝા અને પીઆર મળ્યા બાદ પણ હવે વિદેશથી લોકો ભારત પરત આવી રહ્યાં છે. આ માટે તેઓ વિદેશની હાઈફાઈ લાઈફ જતી કરવા પણ તૈયાર છે. ડોલરને બદલે રૂપિયામાં કમાણી કરવા તૈયાર થયા છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં આ સિનારીયો બદલાયો છે એ ચોક્કસ છે. 2 દાયકા પછી 2019માં કેનેડા છોડનારાઓનો આંકડો સૌથી ઉપર પહોંચ્યો હતો, પરંતુ લોકડાઉનના કારણે તેમાં ઘટાડો થયો હતો. જોકે, આ પછી વર્ષ 2021 અને 2022માં હજારો ઈમિગ્રન્ટ્સ કેનેડા છોડીને રવાના થઈ રહ્યા છે.
ખાસ કરીને ગોલ્ડન વિઝા ધારકોનું મોટું માઈગ્રેશન જોવા મળી રહ્યું છે. તે માટે પહેલા સમજી લો કે ગોલ્ડન વિઝા શું છે. કરોડોનું રોકાણ કરવાની ક્ષમતા ધરાવતા લોકો વિદેશમાં પોતાનો બિઝનેસ સ્થાપવા અને ઉચ્ચ ક્વોલિટીના જીવનધોરણ માટે ગોલ્ડન વિઝા મેળવતા હોય છે. આ ધનિક વર્ગ પણ હવે ભારત પરત ફરવા માંગે છે. હેન્લી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટ પ્રમાણે ગોલ્ડન વિઝાધારકોએ રિવર્સ માઈગ્રેશન કર્યું હોય તેની સંખ્યામાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. 2024માં પણ આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે કારણ કે ઘણા દેશો પોતાના નાગરિકોને પરત આવવા માટે ઈન્સેન્ટિવ આપે છે.
કેનેડામાં સ્ટુડન્ટ વિઝાની અરજી કરનારા ઘટ્યા
આ અમે નહિ આંકડા કહે છે કે, ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા છેલ્લા ઘણા સમયથી હોટ ફેવરિટ દેશ બન્યો છે. જોકે, તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે આ વર્ષે જુલાઈથી ઓક્ટોબર દરમિયાન કેનેડા માટે સ્ટુડન્ટ વિઝા લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કેનેડામાં સ્ટડી પરમિટ લેવા માટે આવતી નવી અરજીઓની સંખ્યામાં લગભગ 40 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.