ગુજરાતમાં વાઈબ્રન્ટની જબરદસ્ત તૈયારીઓ વચ્ચે ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારનો જલવો બહાર આવ્યો છે. ગુજરાતને ઓક્ટોબર 2019 અને માર્ચ 2023 વચ્ચે રૂ. 2.39 લાખ કરોડનું વિદેશી રોકાણ (FDI) પ્રાપ્ત થયું છે. FDI આકર્ષનાર ટોચના ભારતીય રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થયો છે. ઓટોમોબાઈલ સેક્ટર માટે ગુજરાતે બે હાથ ફેલાવીને સ્વાગત કર્યું છે.મારૂતિ, નેનો બાદ હવે સાણંદ પાસે ટેસ્લા પણ પ્લાન્ટ નાખે એવી સંભાવના છે. ગુજરાતમાં માઈક્રોન પણ પ્લાન્ટ નાખી રહી છે.
ભારતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ લાવવાના સરકારના પ્રયાસો હવે શરૂ થઈ ગયા છે. માઈક્રોન લિમિટેડનો આ પ્લાન્ટ ગુજરાતના સાણંદમાં બની રહ્યો છે. કંપની તેની સૂચિત ફેક્ટરીમાં 2.75 બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે. આ માઈક્રોન ફેક્ટરી સાણંદ GIDC-II ઔદ્યોગિક વસાહતમાં 93 એકરના પ્લોટ પર બનાવવામાં આવી રહી છે. અમેરિકન કંપની આ પ્લાન્ટમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવા જઈ રહી નથી પરંતુ આ પ્લાન્ટમાં એસેમ્બલી, ટેસ્ટ, માર્કિંગ અને પેકેજિંગનું કામ કરવામાં આવશે.
આજની અખબારી યાદી પ્રમાણે રાજ્ય સરકારના પ્રયાસોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં FDIમાં સતત વધારો થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) એ આ સિદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ માટે ગુજરાત સરકારે ભવ્ય તૈયારીઓ કરી છે.
હાલમાં ગુજરાત દેશના ટોચના રોકાણ સ્થળોમાંનું એક છે. ઓક્ટોબર 2019 થી માર્ચ 2023 સુધીમાં રૂ. 2.39 લાખ કરોડ ($31 બિલિયન) નું FDI મેળવ્યું છે. VGGS વેબસાઇટ અનુસાર, રાજ્યમાં 2022-23માં FDIમાં લગભગ 84 ટકા વાર્ષિક વૃદ્ધિ જોવા મળી, જે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ છે. 2021માં અમલમાં મૂકાયેલા IEM (રૂ. 1.04 લાખ કરોડ)માં ગુજરાતનું યોગદાન 30 ટકા હતું. આ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે “ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને લાયકાત ધરાવતા કર્મચારીઓ” સાથે, રાજ્ય સરકારની “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ” પહેલ હેઠળ ગુજરાતમાં વ્યવસાયિક વાતાવરણને સુધારવાના પ્રયાસો કરી રહી છે. આમાં રોકાણકારોની સુવિધા મંચની સ્થાપના, મંજૂરીઓ અને લાઇસન્સનું ઓનલાઈન ઈશ્યુ, ડિજિટલાઈઝ્ડ લેન્ડ બેંક અને સ્વ-પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. રાજ્ય વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે અને પ્રગતિ અને સમૃદ્ધિના નવા આયામો સ્થાપી રહ્યું છે.
અખબારી યાદી મુજબ, વાઈબ્રન્ટ ગુજરાત સમિટની અગાઉની આવૃત્તિઓમાં કોઈ ભાગીદાર દેશો ન હતા. 15 સહભાગી દેશોએ 2019 થી વ્યાપક રોકાણકાર મીટમાં ભાગ લીધો હતો. વાઈબ્રન્ટ સમિટ-2024માં મારુતિ સુઝુકી કાર પ્લાન્ટ સ્થાપવા અંગે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરી શકે છે. નોંધનીય છે કે, મારુતિનો એક પ્લાન્ટ હાંસલપુરમાં કાર્યરત છે જ ત્યારે હવે બીજો પ્લાન્ટ સ્થપાવની જાહેરાત કરી શકે છે. હારમાં ગુજરાતમાં એક પ્લાન્ટ હોવા છતાં મારુતિ પાસે ત્રણ લાખથી વધુ કારનો બેકલોગ પડ્યો છે.
વાઈબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, જાપાન, મલેશિયા, મોરોક્કો, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, સિંગાપુર, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, તથા ચેક રિપબ્લિક, પોલેન્ડ, તાન્ઝાનિયા એમ કુલ 21 રાષ્ટ્રો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઈ રહ્યા છે. જેમાં વધુ દેશો જોડાવાની સંભાવના છે. આ ઉપરાંત 16 પાર્ટનર સંસ્થાઓ ભાગ લઈ રહ્યા છે. ભારત સહિત દુનિયાના કુલ 72 દેશોમાંથી અત્યાર સુધીમાં 75,000 ડેલિગેટ્સએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.