અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં 2 દિવસ અગાઉ એક વૃદ્ધાના મકાનમાં ઘૂસીને એક શખસે ચેન સ્નેચિંગ કરી હતી. જે મામલે ઝોન 1 DCPના LCB સ્કોડે આરોપીની 24 કલાકમાં ધરપકડ કરી છે. આરોપી ચોરી કરીને ગાડી લઈએ રાજસ્થાન નાસી ગયો હતો. જેની રાજસ્થાનથી ફિલ્મી ઢબે પોલીસે ઝડપી પાડયો છે. આરોપીને ચોરી માટે ગાડી પણ મિત્ર પાસે છેતરપિંડીથી લીધી હોવાનું સામે આવ્યું છે.
નવરંગપુરામાં આવેલી ભારતી સોસાયટીના બંગલામાં સાંજના સમયે એક શખસ ગાડી લઈ આવ્યો હતો અને બંગલામાંથી વૃદ્ધાના ગળામાંથી સોનાની 55 હજાર રૂપિયાની ચેન તોડીને લઈ ગયો હતો. આરોપી ચોરી કરીને ગાડીમાં જ પરત ગયો હતો. આ અંગે વૃદ્ધાએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચીને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે CCTV તપસ્યા ત્યારે ચોર જે ગાડીમાં આવ્યો હતો. તે ગાડીની નંબર પ્લેટ દેખાય નહીં તે માટે નંબર પ્લેટ પર કપડું ઢાંકી દીધું હતું.
ઝોન – 1 LCB સ્કોડના PSI એચ.એચ જાડેજાએ બાતમી મળી હતી કે, ચોર ચોરી કરીને રાજસ્થાન નાસી ગયો છે. જેથી એક ટીમ રાજસ્થાન રવાના કરી હતી. LCB ટીમે રાજસ્થાનના ડુંગરપુર પહોંચીને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઝડપી પાડયો છે. પોલીસ પહોંચી ત્યારે આરોપી નાસી રહ્યો હતો. તે સમયે ફિલ્મી ઢબે પોલીસે આરોપીને ચોરીની તૂટેલું ચેન અને ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડયો છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પીન્ટુ પાટીદાર મૂળ રાજસ્થાનનો જ રહેવાસી છે. તેને અમદાવાદમાં એક વ્યક્તિ સાથે મિત્રતા કેળવીને કાર પચાવી પાડી હતી. તે કારમાં જ તે ચોરી કરવા ગયો હતો. ચોરી કર્યા બાદ તે ચિલોડા રોડથી રાજસ્થાન જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં પેટ્રોલ પંપ પર 4 હજાર રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું હતું, પરંતુ ત્યાંથી પણ પૈસા આપ્યા વિના નાસી ગયો હતો. હાલ આરોપીને ઝડપીને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.