આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અમૃતકાળનું પ્રથમ વાઈબ્રન્ટ છે. ત્યારે આ વર્ષે ખાસ મહેમાનોમાં સંયુક્ત આરબ અમિરાત (યુ.એ.ઈ) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ હાજર રહેશે. આ ઉપરાંત અન્ય ત્રણ દેશો ઇસ્ટ તિમોર, મોઝામ્બિક જેવા દેશોના વડા પણ હાજર રહેશે.
આ ઉપરાંત રિલાયન્સના મુકેશ અંબાણી, કોટક ગ્રુપના ઉદય કોટક, મહિન્દ્રાના આનંદ મહિન્દ્રા સહિતના ઉદ્યોગપતિઓ પણ ઓપનિંગ સેશનમાં ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસના વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મહિલા ઉધોગ સાહસિકો, યુવા ઉદ્યોગપતિ અને સ્ટાર્ટ અપ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. અલગ અલગ સેમિનાર પર ગોઠવવામાં આવ્યા છે.
ખાસ કરીને આ વર્ષે વાત કરીએ તો, સંપૂર્ણ રીતે ઈકો ફ્રેન્ડલી વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન કરાયું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ નહિ થાય, બને એટલો ઓછો ખાણી પાણીનો બગાડ નહિ કરાય. લોકોને પણ રિયુઝ, રીસાયકલ નો મેસેજ અપાશે. હાલ વાઈબ્રન્ટની તૈયારીમાં સંપૂર્ણ સચિવાલય, વિધાનસભાને રોશનીની શણગાર કરવામાં આવ્યો છે. સ્વર્ણિમ સંકુલ 1 અને 2 ને તિરંગાની રોશનીથી શણગારાયું છે.
આગામી વાઈબ્રન્ટમાં સૌથી મોટું ફોકસ ગ્રીન હાઈડ્રોજન ઉપર કરાશે. આ વર્ષે રિલાયન્સ દ્વારા રાજ્ય સરકાર સાથે સૌથી મોટો એમ.ઓ.યુ ગ્રીન હાઈડ્રોજન માટે કરાશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર અને કચ્છના ગ્રીન હાઈડ્રોજન માટેના વિશાળ પ્લાન્ટ સ્થાપિત કરશે. આગામી સમયમાં ગ્રીન હાઈડ્રોજન સંદર્ભે ગુજરાત સમગ્ર ભારત, એશિયા નહિ પરંતુ વિશ્વનું હબ બની ઉઠે તે દિશામાં કામ થઈ રહ્યું છે.
વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી 9મી જાન્યુઆરીના રોજ ભારત સરકાર દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 20 રૂપિયાનો સ્પેશિયલ સિક્કો તથા એક સ્ટેમ્પ સ્મૃતિચિહ્ન તરીકે બહાર પાડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સિક્કા અને સ્ટેમ્પનું અનાવરણ કરશે. એડિ.ચીફ સેક્રેટરી એસ.જે. હૈદરે ઉપરોક્ત માહિતી આપતા કહ્યું કે, ભારત સરકારે આ અંગેનું નોટિફિકેશન મંગળવારે પ્રકાશિત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 20 રૂપિયાના સિક્કામાં 50 ટકા સિલ્વર, 40 ટકા કોપર, પાંચ ટકા નિકલ અને પાંચ ટકા ઝીંકનો સમાવેશ કરાશે.
35 ગ્રામના આ સિક્કાનો 44 મી.મી. જેટલો ડાયામીટર હશે. સિંહની મુખાકૃતિ ધરાવતો અશોક સ્તંભ અને સત્ય મેવ જયતે દેવનાગરી ભાષામાં ચિન્હીત હશે, જેની એકતરફ ભારત અને બીજીતરફ ઈન્ડિયા લખેલું હશે. સિક્કાની પાછલી બાજુએ ‘વિકસિત ભારત2047 કે લિયે અગ્રેસર’ ગુજરાત એવા શિર્ષક હેઠળ વાઈબ્રન્ટ ગુજરાતનો લોગો અને 2003થી 2023 સુધીની 20 વર્ષની સમયરેખા અને ઉપર વાઈબ્રન્ટ ગુજરાત-2024નો લોગો ઝાંખી રૂપે દર્શાવવામાં આવશે.