અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનના ઉદ્ધાટન પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને તાકિદ કરી હતી કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સર્વે ચાલે છે કે PI ને મળવા લોકોએ કેટલા ધક્કા ખાધા. હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું કે દરેક નાગરિક ને PI ને મળવામાં સરળતા હોવી જોઈએ. તેમણે તમામ પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા જળવાય તે જોવા માટે પણ ઉચ્ચ અધિકારીઓને તાકિદ કરી હતી.
અમદાવાદ શહેરના નાગરિકોની સુરક્ષા માટે પોલીસ સ્ટેશનોમાં એક વધારો કરાયો છે અને શહેર કોટડા પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે ઉદ્ધાટન કર્યું હતું. હર્ષ સંઘવીએ આ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે પોલીસ સ્ટેશન સુધી કોઇને આવવું જ ના પડે તે માટે મારી પ્રાર્થના છે. અને જો કોઈ ને આવવાનું થાય તો તમામ સુવિધા અને લોકોની સાથે પોલીસ સારો વહેવાર સાથે સગવડતા અહીં મળી રહેશે. તેમણે કહ્યું કે મને 100 ટકા વિશ્વાસ છે ગુજરાત પોલીસ જે કામગીરી કરી રહી છે ત્યારે લોકોનો વિશ્વાસ પોલીસ તરફ વધી જશે.
તેમણે કહ્યું કે અમદાવાદની ભગવાનની જગન્નાથની રથયાત્રા દેશ અને દુનિયામાં પ્રચલિત છે. આ વિસ્તારમાં રથયાત્રા પસાર થાય છે એટલે આ વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખૂબ જરુરી છે. તેમણે કહ્યું કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને વિનંતી કે સ્વચ્છતા માટે આગ્રહ રાખવો. સામાન્ય માણસ આવે એટલે પોલીસ સ્ટેશનના બાથરુમ પણ સ્વચ્છ હોવા જોઇએ. આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનોમા સ્વચ્છતા અભિયાન પર કામગિરી શરુ કરાશે. તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશનમાં ગંદકી ક્યારેય ન ચલાવી શકાય.
તેમણે તમામ અધિકારીઓને આ પ્રસંગે તાકિદ પણ કરી કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સર્વે ચાલે છે કે લોકોએ પી આઈને મળવા કેટલા ધક્કા ખાધા છે. દરેક નાગરિકને પી આઈ ને મળવામાં સરળતા હોવી જોઈએ. જવાબદારી નહીં નિભાવો તે ચલાવી લેવામાં નહિ આવે. તેમણે કહ્યું કે અઠવાડિયામાં 3 કલાક પબ્લિકને મળી શકો તે માટે આયોજન હોવા જોઈએ. રાજ્યના નાગરિકોને તેમના હક મળવા જોઈએ.