સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડ શનિવારે રાજકોટની અદાલતના નવા સંકુલનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા ત્યારે તેમણે પોતાના ઉદ્દબોધનમાં ગુજરાતી બોલવાનો પ્રયાસ કર્યો હતો અને રાજકોટના, ગુજરાતીઓના વખાણ કર્યા હતા. આ ઉદ્દબોધનનો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પોસ્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે કે, આપણી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા છે! ગુજરાતીમાં બોલવાનો તેમનો પ્રયાસ સરાહનીય છે.
‘સંતોની પવિત્ર ભૂમી પર આવવાનું મારું સદ્ભાગ્ય’ ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં 110 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ કોર્ટના નવા બિલ્ડિંગનું સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડે લોકાર્પણ કર્યું હતું. આ પ્રાસંગિક પ્રવચનમાં મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડે ‘જય શ્રીકૃષ્ણ, કેમ છો, મજામાં છો ને’ બોલીને શરૂ કરી હતી. સીજેઆઇએ જણાવ્યું હતું કે, આ સંતો-મહંતોની પવિત્ર ભૂમી પર આવવાનું મારું સદ્ભાગ્ય સમજું છું. મને જે માહિતી મળી તે મુજબ આ રંગીલા રાજકોટની સ્થાપના વર્ષ 1610માં કરવામાં આવી છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આલ્ફેડ હાઇસ્કૂલમાં ભણેલા અને કબા ગાંધીના ડેલામાં તેમના પિતા કરમચંદ ગાંધી સાથે રહેતા હતા. આ શહેર એક સમયે સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર હતું. 1947 કે 1946 સુધી આ શહેર સૌરાષ્ટ્રની હાઇકોર્ટ ધરાવતી હતી.
રાજકોટના ગરબા, રેસકોર્સના મેદાનમાં ભરાતા પાંચ દિવસના જન્માષ્ટમીના મેળા, રાજકુમાર કોલેજ, ડીઝલ એન્જિન, સબમર્સીબલ પંપ, ફોર્જિંગ, કાસ્ટિંગ, બેરિંગ મશીન ટૂલસ, સોના-ચાંદીના દાગીના, પટોળા અને બાંધણી માટે પ્રખ્યાત છે તેટલું જ ફાફડા ગાંઠિયા અને જલેબી માટે પ્રખ્યાત છે. આખા રાજકોટમાં ચાની દુકાનો, લારીઓ અને પાનના ગલ્લા ગણવા બેસીએ તો રાત પડી જાય. મેં એવું સાંભળ્યું છે કે, આ શહેર કાયદેસર રીતે રોજ બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી સુઇ જાય છે અને પછી રાત્રે એક વાગ્યા સુધી રેસકોર્સની પાળી ઉપર બેસીને મોજ કરે છે.
આ શહેર પર જલરામ બાપા અને ઘેલા સોમનાથ મહાદેવના અહીંના લોકો પર હંમેશા આશીર્વાદ રહ્યા છે. સીજેઆઇએ જણાવ્યું હતું કે, વિવિધ 39 કોર્ટના સમન્વય સાથે કાર્યરત થયેલી પાંચ માળની રાજકોટ જિલ્લા કોર્ટના નવા બિલ્ડિંગથી રાજકોટની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોહપુરુષ સરદાર પટેલની ધરતીમાં પાંગરેલું આ કોર્ટ બિલ્ડિંગ રાજ્યને પ્રગતિ, એકતા અને સમાવેશિતાના પથ પર અગ્રેસર થવા હંમેશા પ્રેરણા આપતું રહેશે.
જસ્ટિસ ચંદ્રચૂડે ન્યાયપ્રણાલીની પરિભાષા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની બાબતને ન્યાય વ્યવસ્થામાં હંમેશા પ્રાથમિકતા મળવી જોઈએ. ન્યાય માટે સુપ્રીમ કોર્ટ પહેલા સ્થાનિક કોર્ટમાં જતા નાગરિકને ન્યાયમાં અડગ શ્રદ્ધા રહે તે જોવાનું કામ ન્યાય ક્ષેત્રના પ્રહરીઓનું છે.
વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ચોથા નંબરના સૌથી મોટા જિલ્લા તરીકે રાજકોટ કોર્ટ બિલ્ડિંગ ન્યાયપ્રણાલીના અગત્યના સ્તંભ તરીકે ઊભરી આવશે. ગુજરાતીઓની હૈયાઉકલત અને કોઠાસૂઝનો ઉલ્લેખ કરતા જસ્ટિસ ચંદ્રચૂડે સમસ્યાના નિરાકરણ માટેની “ચાય પે ચર્ચા’ જેવી કાર્યપ્રણાલીની સરાહના કરી હતી. ન્યાયની ધ્વજા સતત ફરકતી રહે તેની જવાબદારી દેશની અદાલતોની છે. ન્યાયાલયની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, કોર્ટમાં કામકાજી મહિલાઓની સગવડ માટે ઘોડિયા ઘર બનાવીને વર્કિંગ વુમન માટે ખૂબ જરૂરી સગવડ પૂરી પાડી છે.
ઉલ્લેખનીય છે કે, ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમું સોમનાથ મંદિર સમગ્ર 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે. ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. આ ઉપરાંત પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં સૌપ્રથમ શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના હસ્તે પૂજન, અર્ચન સાથે ‘સોમેશ્વર મહાપૂજા’ સંપન્ન કરાવવામાં આવી હતી.