અમદાવાદના બહેરામપુરામાં રહેતા નિકુલ સોલંકી અને તેમનાં પત્ની મનીષા સોલંકી વર્ષ 2022માં મુંબઈથી બેંગકોક વિસ્તારા એરલાઇન્સ મારફત ગયાં હતાં. આ ફ્લાઈટ મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસથી બેંગકોક જઈ રહી હતી. બંને પતિ-પત્નીની ઇકોનોમી કલાસની ટિકિટ હતી, જેની કુલ કિંમત 44,878 રૂપિયા હતી. આ ટિકિટમાં નાસ્તો અને ટી સામેલ હતી.
ફૂડનું પેકેટ બદલીને બીજું ફૂડ આપવામાં આવ્યું બંનેને ફ્લાઈટમાં નાસ્તામાં રવા ઉપમા અને ઈડલી સાંભાર આપવામાં આવ્યાં હતાં, જેને અડધો નાસ્તો ખાધા બાદ એમાંથી મરેલું જીવડું નીકળ્યું હતું, જેનો ફોટો ગ્રાહકે લઈ લીધો હતો. ગ્રાહકે પ્લેનમાં હાજર ફ્લાઈટ અટેન્ડન્ટ આરોહી અને યુગને એ અંગે ફરિયાદ કરી હતી, જેથી ફ્લાઈટ અટેન્ડન્ટ દ્વારા તેમને ફૂડનું પેકેટ બદલીને બીજું ફૂડ આપવામાં આવ્યું હતું. જોકે ગ્રાહકે ફરિયાદ કરવાનું કહેતાં ફ્લાઈટ અટેન્ડન્ટ દ્વારા તેમને એક પેપર આપીને પોતાની અને ફ્લાઈટની વિગતો સાથે ઘટનાની ફરિયાદ આપવા જણાવ્યું હતું, સાથે જ આ ફરિયાદ સંદર્ભે કંપની ગ્રાહકનો સંપર્ક કરશે એમ જણાવ્યું હતું.
બાદમાં ગ્રાહકે એરપોર્ટ ઉપર અને ઇ-મેઇલ દ્વારા પણ કંપનીને ફરિયાદ કરી હતી. જોકે એનો કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. કંપનીએ જણાવ્યું હતું કે એ જીવડું નહીં, પરંતુ આદુનો ટુકડો હતો. આથી ગ્રાહકે એડવોકેટ કૃણાલ ભાવસાર મારફત કંપનીને નોટિસ આપીને આ ફૂડ ખાધા બાદ તેમને વોમિટ થઈ હોવાનું અને દવા લેવી પડી હોવાનું જણાવ્યું હતું, જેના 30 દિવસમાં કંપની તરફથી કોઈ જવાબ ન મળતાં ગ્રાહકે અમદાવાદ જિલ્લા કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી. ગ્રાહકનું કહેવું હતું કે તેણે અમદાવાદથી ટિકિટ બુક કરી હોવાથી અહીંનું ન્યાયિક ક્ષેત્ર લાગુ પડશે. ગ્રાહકે કંપનીની સર્વિસમાં ખામી હોવાનું જણાવીને ગ્રાહકને લગતો કેસ હોવાનું કોર્ટમાં અરજીમાં જણાવ્યું હતું.
કોર્ટને અરજીમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે સામે પક્ષે કંપનીનું 4500 કરોડથી વધુની રકમનું ટર્ન ઓવર છે, જેથી ગ્રાહકને તે 90 લાખ રૂપિયા વળતર આપે. કોર્ટમાં કેસ દાખલ થયાના 45 દિવસ છતાં કંપનીએ કોઈ જવાબ રજૂ કર્યો નહોતો, આથી ગ્રાહકે કંપની જવાબ રજૂ કરવાનો હક ખોઈ બેસી છે અને એકતરફી ફરિયાદ સાંભળવા રજૂઆત કરી હતી. 45 દિવસ બાદ કંપનીએ જવાબ આપ્યો હતો કે ફૂડમાંથી જે નીકળ્યું એ આદુ છે, જીવડું નથી. જોકે 45 દિવસની અંદર કંપનીએ જવાબ રજૂ કર્યો છે કે કેમ એ કોર્ટ નક્કી કરશે. આ કેસમાં વધુ સુનાવણી 8 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.