હવે નવરાત્રિને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ગરબા રમવા માટે નો સમય વધારવા માટેની માંગ ઉઠી છે, ત્યારે આ બાબતે સરકાર એટલા માટે અવઢવમાં છે કે જો ગરબા રમવાનો સમય વધારવામાં આવે તો સુપ્રીમ કોર્ટના નિયમનું ઉલ્લંઘન થઇ શકે છે જેથી સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને અવમાન્ય કરી શકે નહીં એટલે ગરબા રમવા માટે નો સમય વધારવો સરકાર માટે અશક્ય છે.
બીજી બાજુ મોટા મોટા શહેરોમાં નવરાત્રી દરમિયાન મોટા ગરબાના આયોજનો થતા હોય છે. પણ દુઃખદ બાબત એ છે કે આયોજનોમાં આયોજકો દ્વારા ખેલૈયાઓને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે અને તેના પાસ ની કિંમત ખુબજ વધારે રાખવામાં આવે છે ત્યારે આ નવરાત્રી નું આયોજન કરવા માટે માન્યતા આપનાર તંત્ર પણ આયોજકોને પાસ ની મોંઘી કિંમત બાબતે એક પણ શબ્દ ઉચ્ચારતું નથી, જેના પાછળ તંત્ર અને આયોજકોની મીલીભગત હોય છે.
કારણ કે શહેરમાં જેટલા પણ નવરાત્રિના આયોજન થતા હોય છે તેમાં મોટા ભાગના આયોજકો દ્વારા તંત્રના કેટલાક અધિકારીઓને ફેમિલી પાસ આપવામાં આવતા હોય છે. જેના પરિણામે ફ્રી ફેમીલી પાસ ની લાલચમાં જવાબદાર તંત્રના અધિકારીઓ આયોજકોને પાસ ની કિંમત બાબતે નિયંત્રીત કરી શકતા નથી. ખરેખર દરેક આયોજકો દ્વારા જે આયોજનો થાય છે તેમાં તંત્રએ પાસ ની કિંમત ચોક્કસ મર્યાદામાં જ રખાવી જોઇએ પણ પોતાનો સ્વાર્થ જોનાર તંત્રના અધિકારીઓ જનતાને ખુલ્લેઆમ લૂંટાવવા દે છે.
ત્યારે કેટલાક માઇભક્તો નું એવું પણ માનવું છે કે કોઈપણ નવરાત્રીના આયોજન ના નામે વેપાર કરતાં આયોજકોને તંત્રે મંજૂરી આપવી જોઇએ જ નહીં કારણ કે જ્યાં પણ નવરાત્રિના આયોજન થતા હોય છે તેમાં સંપૂર્ણ નિયમોનું પાલન થતું હોતું નથી. ઘણી વખત નાની મોટી બબાલ થયા કરે છે,તો વળી સંપૂર્ણ પ્રમાણમાં સલામતીના સાધનો પણ હોતા નથી. આ ઉપરાંત વધારે વસ્તી નો જમાવડો થવાથી કેટલાક વાયુથી ફેલાતા ચેપી રોગો નું પ્રમાણ પણ વધવાની શક્યતાઓ રહે છે ત્યારે સાથે સાથે લોકો લૂંટાય છે આ બધી બાબતોને ધ્યાનમાં લઇને નવરાત્રિના આયોજકોને છૂટો દોર આપો એ યોગ્ય ન ગણી શકાય.