છેલ્લા 3 માસના સમયમાં ગાંધીનગર જિલ્લામાં તહેવારો અને ડિસેમ્બર માસ દરમિયાન સ્ટોક ખાલી કરવા માટે ડિલરો દ્વારા કરોડોની કિંમતના વાહનોનું વેચાણ કરવામાં આવ્યું છે. ગત ડિસેમ્બર માસમાં જ ગાંધીનગરના વિવિધ ડિલરોને ગણીને અંદાજીત 2500 જેટલી કારનું 250 કરોડથી વધુનું વેચાણ જોવાં મળ્યું હતું.
આ દરમિયાન ડિલરો દ્વારા નિયમોને નેવે મૂકીને વાહનોનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાયું હતું. તાજેતરમાં જ વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન ડિલિવરી માટેના નવા નિયમો નક્કી કરવામાં આવ્યાં છે. જે અનુસાર વાહનોના નંબર રજીસ્ટ્રેશન થી લઈને નંબર પ્લેટ લગાવવા સુધીની તમામ જવાબદારી ડીલરોને સોંપવામાં આવેલ છે. આ તમામ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ ડીલરો દ્વારા વાહનની ડિલિવરી ગ્રાહકને કરી શકે છે. પરંતુ શહેરમાં ઠેર-ઠેર નંબર પ્લેટ વગરના નવા વાહનો ફરતાં જોવા મળ્યા હોવાને કારણે ડિલરો અને તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.
નિયમોનું ઉલ્લધંન કરતાં ડિલરો સામે તંત્ર દ્વારા અગાઉ રેડ પાડવાની કાર્યવાહી શરૂઆતના તબક્કે કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તંત્રે પણ મૌન ઘારણ કરી દિધું હોય તેમ કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં નથી આવતાં. ખાનગી ડીલરો દ્વારા વાહનોની ડિલિવરી આપવાની લાહ્યમાં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયાથી છૂટ મેળવી રહ્યા છે. ત્યારે તંત્ર આ બાબતે પગલાં ભરશે કે કેમ તે જોવું રહ્યું. પરંતુ આ પ્રકારની ડિલરોની કામગીરીના કારણે નિયમોનું ઉલ્લંધન થઈ જ રહ્યું છે. કેટલાંક કિસ્સામાં પસંદગીના નંબરો મેળવવા માટે નંબર રજીસ્ટ્રેશનની કામગીરી મોડી કરાતી હોય છે. પરંતુ વાહનનું કામચલાઉ ધોરણે પણ રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે, તેમાંથી પણ ડિલરો દ્વારા હાથ ધોઈ નાંખવામાં આવ્યાં છે.