ડંકી રૂટ મામલામાં CID ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખાએ મૂળ મહેસાણા વતની પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલ નામના દંપતીની ધરપકડ કરી છે. આ દંપતીએ ચાર મહિના અગાઉ મહેસાણા જિલ્લાના પાંચોટ ગામના રહેવાસી ૧૯ વર્ષીય મેશ્વ પટેલના ઘરે જઈને અમેરિકા લઈ જવાની લાલચ આપી રૂ. 55 લાખમાં તેને અમેરિકા મોકલી આપશે તેવી બાંહેધરી આપી હતી.
ઠગ દંપતીએ મેશ્વ પટેલ પાસેથી શરૂઆતમાં રૂ. ૧૦ લાખ લઇ બાદમાં દુબઈના વિઝિટર વિઝા અપાવીને ત્રણ મહિના સુધી દુબઈની અલગ અલગ હોટલોમાં રાખ્યો હતો અને દુબઈમાં નોકરી અપાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તાજેતરમાં ફ્રાંસથી જે લોકો ડિપોર્ટ થયા તેમાં મેશ્વ પટેલનો સમાવેશ થતો હતો. તેણે તપાસ એજન્સી સમક્ષ વટાણાં વેરી દેતા પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલ નામ ખૂલ્યું હતું. તેના આધારે CID ક્રાઈમે બંનેની ધરપકડ કરી છે.
જે 66 ગુજરાતી નિકારાગુઆથી મેક્સિકોની બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં પ્રવેશવાની ફિરાકમાં હતા તે પ્રકરણની તપાસ કરી રહેલી CID ક્રાઈમને ફરિયાદ નોંધાયાના ઘણાં દિવસો બાદ સફળતા હાંસલ થઇ છે. મહેસાણાના બે દંપતી એજન્ટો પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલ મેશ્વ પટેલને મહેસાણાથી દિલ્હી લઇ ગયા હતા. દિલ્હી થોડા દિવસ હોટલમાં રોક્યો હતો. દિલ્હીથી દુબઈના વિઝિટર વિઝા અપાવી ત્યાં મોકલી ત્યાં જ નોકરીએ લગાવી આપ્યો હતો. જોકે, અમેરિકા મોકલી આપતા નહોતા જેથી યુવકના પરિવારજનો દંપતી એજન્ટ પર દબાણ કરવા લાગ્યા હતા કે રૂપિયા પાછા આપી દો અને અમારા દીકરાને પાછો અહીં અમારી પાસે મોકલી આપો. તેથી બન્ને દંપતીએ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા મેશ્વ પટેલને લેજન્ડ ચાર્ટડ ફ્લાઈટમાં ૩૦૦ ભારતીયો સવાર હતા તેમાં બેસાડી દીધો. પરંતુ લેજન્ડ ફ્લાઈટ ફ્રાંસમાં સુરક્ષા એજન્સીઓએ તપાસ કરતા કબૂતરબાજીનો ભાંડો ફૂટી ગયો હતો. અંતે મેશ્વને પણ પાછા ફરવાના વારો આવ્યો હતો.
પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલ બન્નેએ BCA સુધીનો અભ્યાસ કરેલો છે. બંને એક જ કોલેજમાં ભણતા હતા બાદમાં પ્રેમ થઇ જતા લગ્ન કરી લીધા હતા. છેલ્લા એક વર્ષથી મહેસાણામાં ઓફિસમાં ભાડે રાખીને વિઝા કાન્સલ્ટન્સીનું કામકાજ કરતા હતા અને મોટેભાગે આર્થિક રીતે સુખી હોય તેવા અને અમેરિકા જવાની ઘેલછા ધરાવતા યુવાનોની શોધમાં રહેતા હતા. એવા યુવકો મળી જાય બાદમાં તે લોકોના ઘરે જઈને મળતાં અને પરિવાર સાથે વાત કરતા હતા. અમુક સંજોગોમાં કેન્ડિડેટ તૈયાર હોય પરંતુ તેમના પરિવારના લોકો તૈયાર ના હોય તો બંને દંપતી અમેરિકામાં મળતી સુવિધા અને સગવડો અને લાઈફ સ્ટાઈલ વિષે વાતચીત કરીને પરિવારના સભ્યોને પણ અમેરિકાથી મોહિત કરી દેતાં હતા. ભણેલા ગણેલા દંપતી પોતાના ભણતરનો દુરુપયોગ લોકોને ભ્રમિત કરવામાં કરતા હતા.
ઝડપાયેલા દંપતી હાલ CID ક્રાઈમની કસ્ટડીમાં રિમાન્ડ હેઠળ છે ત્યારે બંનેની હાલ તો મેરેથોન પૂછપરછ ચાલી રહી છે, કારણકે છેલ્લા એક વર્ષથી વિઝા અપાવવાનું કામકાજ કરતા હતા એટલે મેશ્વ પટેલ સિવાય બીજા અન્ય કેટલાં લોકોને ડંકી રૂટ મારફતે અમેરિકા મોકલી આપ્યા છે તેવા તમામ મુદ્દાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.