ગુનેગારને મૃત્યુદંડ આપવા માટે નાઇટ્રોજન ગેસનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો. આખી દુનિયામાં નાઇટ્રોજન ગેસથી વ્યક્તિને મૃત્યુદંડની સજાની આ પ્રથમ ઘટના છે. હત્યાના દોષિત કેનેથ યુજેન સ્મિથે (58) સુપ્રીમ કોર્ટ અને ફેડરલ અપીલ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સ્મિથે દલીલ કરી હતી કે આ પદ્ધતિ અસંસ્કારી અને વિચિત્ર હતી. 2022 માં, અલાબામાએ ઘાતક ઇન્જેક્શન દ્વારા સ્મિથને ફાંસી આપવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગયો.
1989 માં, કેનેથ સ્મિથને એલિઝાબેથની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવતા મૃત્યુદંડની સજા આપવામાં આવી. કેનેથ સ્મિથે પાદરીના કહેવા પર એલિઝાબેથ સેનેટની હત્યા કરી હતી. પાદરીની પત્ની એલિઝાબેથ હતી. અને પત્ની એલિઝાબેથની હત્યા માટે પાદરીએ કેનેથને સોપારી હતી. કેનેથે ચાકૂ મારી એલિઝાબેથની હત્યા કરી હતી. આ હત્યામાં પોલીસે કેનેથની ધરપકડ કરતા સોપારી આપનાર પાદરીએ પણ બાદમાં આત્મહત્યા કરી લીધી. કેનેથ પર કેસ ચાલ્યો જેમાં 1996માં તેને આજીવન કારાવાસની સજા આપવામાં આવી હતી. બાદમાં જ્યુરીના આ ચુકાદાને નકારી કાઢતા મોતની સજા આપવામાં આવી. આ ચુકાદા બાદ 25મી જાન્યુઆરીએ કેનેથ સ્મિથને નાઈટ્રોજન ગેસથી મોતની સજા આપવામાં આવી. અમેરિકામાં નાઈટ્રોજન ગેસથી મૃત્યુદંડની સજા મેળવનાર કેનેથ સ્મિથ પ્રથમ વ્યક્તિ છે.
અમેરિકામાં આજે પણ ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં દેહાતદંડની સજા આપવામાં આવે છે. જો કે ચાર દાયકા પહેલા મૃત્યુદંડ માટે ઘાતક ઈન્જેક્શન આપવાનું શરૂ થયું હતું. 27 રાજ્યોમાં જ્યાં મૃત્યુદંડ આપવામાં આવે છે, ત્યાં મોટાભાગે ઈન્જેક્શન પદ્ધતિ અપનાવવામાં આવે છે. જો કે, ધીમે ધીમે ઘાતક ઇન્જેક્શનમાં વપરાતી દવાઓ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું. અન્ય દવાઓના ઉપયોગને કારણે સમસ્યાઓ ઉભી થવા લાગી. અલાબામાએ નવેમ્બર 2022માં સ્મિથને ઘાતક ઈન્જેક્શન આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ સત્તાવાળાઓ IV લાઈન શોધી શક્યા ન હતા અને વોરંટની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હતી.
મૃત્યુનું કારણ બને તેવી આ પદ્ધતિને તકનીકી ભાષામાં નાઇટ્રોજન હાયપોક્સિયા કહેવામાં આવે છે. કેદીને પલંગ પર સુવડાવવામાં આવે છે, તેના હાથ અને પગ બાંધવામાં આવે છે. પછી મોં પર માસ્ક મૂકવામાં આવે છે. પછી હવાને બદલે, નાઇટ્રોજન ગેસ માસ્કમાં જાય છે. કેદી શુદ્ધ નાઇટ્રોજનનો શ્વાસ લે છે, એટલે કે તેના શરીરને ઓક્સિજન મળતો નથી. કોષો તૂટવા લાગે છે અને થોડીક સેકંડમાં વ્યક્તિ બેભાન થઈ જાય છે. અને થોડીવારમાં જ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.
પાંચ મીડિયા વ્યક્તિઓએ હોમન કરેક્શનલ ફેસિલિટી ખાતે નાઇટ્રોજન શ્વાસમાં લઈને સ્મિથને ફાંસી આપતા જોયા હતા. અહેવાલો અનુસાર, જ્યારે ગેસ તેના માસ્કમાં પ્રવેશ્યો, ત્યારે સ્મિથે સ્મિત કર્યું અને તેના પરિવાર તરફ જોયું, માથું હલાવ્યું અને કહ્યું ‘આઈ લવ યુ’. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, સ્મિથ બેથી ચાર મિનિટ સુધી સંઘર્ષ કરતો રહ્યો. થોડા સમય પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અલાબામામાં નાઈટ્રોજન ગેસથી મારવાની પ્રક્રિયામાં કુલ 33 મિનિટનો સમય લાગ્યો હતો. અમેરિકાના માત્ર ત્રણ રાજ્યો – અલાબામા, ઓક્લાહોમા અને મિસિસિપી-એ નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડને મંજૂરી આપી છે.