ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમિત ચાવડાને એવો વેધક સવાલ કર્યો છે કે , જયારે એફ.આર.સી. અંગે હાઈકોર્ટમાં અને સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે જો કોંગ્રેસને શિક્ષણના હિતની અને વાલીઓની ચિંતા હોત તો વાલીઓના પક્ષે ઉભા રહેવાને બદલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કપિલ સિબ્બલ અને અભિષેક સિંઘવી જેવા વકીલોએ સંચાલકોની વકીલાત કરી હતી તે અમિત ચાવડા જાણે છે ખરા ? તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે , ગુજરાત સરકારે ફી રાહતનો આ નિર્ણય હાઈકોર્ટના ઠપકા બાદ લીધો છે તેવા શ્રી અમિત ચાવડાએ કરેલા નિવેદન પાયા વિનાના અને વજૂદ વગરના છે . હકીકત તો એ છે કે , હાઈકોર્ટે સરકારને માત્ર સૂચન કર્યુ છે અને તેનો અમલ રાજય સરકારે વાલીમંડળ અને શાળા સંચાલકોને વિશ્વાસમાં લઈ તેમની સાથે બેઠકોનો દોર ચલાવી અને તેમની સંમતિથી ૨૫ ટકા ફી રાહત આપવાનો નિર્ણય કર્યો છે . ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહયું કે , કોંગ્રેસ દેખાડવાના અને ચાવવાના જૂદા જૂદા એવા બેવડા ધોરણ સાથે માત્રને માત્ર પ્રજાની નજરમાં રહેવા માટે જ રાજય સરકારના આ ૨૫ ટકા ફી રાહતના નિર્ણયનો વિરોધ કરી રહી છે .
શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે , મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ સમગ્ર વિષયમાં સંવેદનશીલતાપૂર્વકનો અભિગમ અપનાવીને ૨૫ ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે તે એકદમ વ્યવહારૂ અને યોગ્ય છે . ભાજપ સરકાર ફી અંગે ખાનગી સંચાલકોની વકીલાત કરે છે અને પહેલાં ૧૦૦ ટકા ફી રાહતની સત્તાવાર વાત બાદ હવે ૨૫ ટકા ફી માફી જાહેર કરી છે તેવો જે આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા શ્રી મનીશ દોશીએ કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ આક્ષેપનો છેદ ઉડાડતા જણાવ્યું છે કે , અમે હંમેશા શાળા સંચાલકો અને વાલીઓ તથા વિદ્યાર્થીઓના હિતેચ્છુ જ રહયા છીએ એટલે સંચાલકોની વકીલાત કે રાતોરાત ફરી જવાની કોંગ્રેસી કલ્ચર જેવી ફિતરત અમારી નથી તે મનીષ દોશી અને અમિત ચાવડાએ સમજી લેવું જોઈએ.