ગાંધીનગરના કોલવડામાં હૂડકોનાં મકાનમાં પૂર્વ બાતમીના આધારે પેથાપુર પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની હાટડી ચલાવતાં રીઢા બુટલેગરને 46 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર પેથાપુર પોલીસ મથકની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળેલ કે, કોલવડા ગામે ચામંડાપુરા હુડકોમાં રહેતો રાકેશ કનુભાઈ નાથબાવા મોટા પાયે વિદેશી દારૂના વેચાણનો ધંધો કરે છે અને તેના રહેણાંક મકાનની બાજુમાં આવેલ તેની કબ્જા ભોગવટાની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જે હકીકતના આધારે પોલીસે ઉક્ત સ્થળે ત્રાટકી હતી. જ્યાં રીઢો બુટલેગર રાકેશ નાથબાવા દારૂની હાટડીએ હાજર મળી આવ્યો હતો. બાદમાં પોલીસે તેને સાથે રાખીને ઓરડીમાં તપાસ કરતા અંદર વિદેશી દારૂની પેટીઓ તથા છુટક બોટલો પડેલી જોવા મળી હતી. જે દારૂની ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની અંદાજીત 41 હજારની કિંમતની દારૂની બોટલોનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે પોલીસે રીઢા બુટલેગરની પૂછતાંછ કરતાં રાજસ્થાનના સાંચોર ખાતે રહેતો સુરેશ ઉર્ફે સુરજ નામના ઇસમને ચારેક દિવસ અગાઉ ફોન કરીને દારૂ નો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેનાં પગલે સુરેશ ગાડીમાં દારૂનો જથ્થો સપ્લાય કરી ગયો હોવાની કબૂલાત કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી દારૂના જથ્થા સહિત 46 હજારનો મુદ્દામાલ જપ્ત કરી રીઢા બુટલેગરની ધરપકડ કરી લેવાઈ છે.