ગાંધીનગરમાં પિયરમાં રહેતી પરિણીતા સાથેના બીજા
લગ્નજીવન દરમ્યાન પણ ભંગાણ સર્જાતા ત્રીજા લગ્ન કરવા
માટે હરખ પદુડા બનેલા પતિએ જીવનસાથી મેટ્રીમોની સાઈટ
પર રજિસ્ટ્રેશન કરી પોતે પાંચ વર્ષથી ડીવોર્સી હોવાનું દર્શાવી
ત્રીજા પાત્રની શોધખોળ કરવામાં આવતાં સમગ્ર મામલો
મહિલા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યો છે.
ગાંધીનગરની 28 વર્ષીય પત્નીએ પતિની ત્રીજા લગ્ન કરવાની મહેચ્છા પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે. હાલમાં ગાંધીનગરના સેકટર – 14 માં રહેતી 28 વર્ષીય પરિણીતાના જુના સચિવાલય ખાતે જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવે છે. જેનાં પ્રથમ લગ્ન અમદાવાદ મુકામે થયા હતા. પરંતુ પતિ સાથે મનમેળ નહીં આવતાં વર્ષ – 2018 માં છૂટાછેડા થઈ ગયા હતા. બાદમાં જાન્યુઆરી – 2023માં તેણીના બીજા લગ્ન માણસાનાં ડીવોર્સી યુવક સાથે હિન્દુવિધિ મુજબ થયા હતા.
લગ્ન બાદ પરિણીતા સોના-ચાંદીના દાગીના તથા ઘરવખરીનો સામાન, કપડાં ભેટ-સોગાદ વિગેરે લઈને સાસરીમાં રહેવા ગઈ ગઈ હતી. લગ્નના દોઢ મહિના પતિ સાસુ સસરા અને નણંદે પરિણીતા સાથે સારો વ્યવહાર કર્યો હતો. જે પછી તેણીની નોકરી ગાંધીનગર હોવાથી દંપતીએ સેકટર – 14 માં રહેવા આવવાનું નક્કી કર્યું હતું. એ વખતે નણંદે સાસુ સસરાની સેવા કરવી પડે નહીં કહીને ભાભી જોડે ઝગડો કર્યો હતો.
જ્યારે સાસુએ પિયરમાંથી દહેજરૂપે અન્ય દાગીના પણ લઈ આવવા દબાણ કરવાનું ચાલુ કર્યું હતું. બાદમાં ઘરનો સર સામાન ગાંધીનગર લાવવા ડાલુ મંગાવવાની પરિણીતાએ વાત કરતા પતિ એકદમ ઉશ્કેરાઈ જઈ માથાકૂટ કરવા માંડ્યો હતો. આથી બીજું લગ્ન તૂટે નહીં એટલે પરિણીતાએ પતિ – સાસરિયાંનો ત્રાસ મૂંગા મોઢે સહન કરે રાખ્યો હતો. બાદમાં બધા સૌરાષ્ટ્ર ફરવા ફરવા ગયા હતા. અને ચોટીલા ખાતે રાત્રિ રોકાણ કરવાનું હોવાથી પતિએ જમવાની બાબતે ઝગડો કરી મારઝૂડ કરી હતી. જે પછી પતિ પત્ની સેકટર 14 માં રહેવા માટે આવ્યા હતા. અહીં પણ નણંદ આવીને કહેતી કે ભાઈની અગાઉની પત્નીને માર-મારી ભગાડી મુકેલી તમે પણ સરખા રહેજો નહીં તમને પણ તગેડી મૂકીશું. બીજી તરફ પતિ કોઇને કોઈ બહાને માણસા ખાતે તેના માતા પિતા સાથે રહેવા જતો રહેતો હતો. ઘણીવાર તો સવારે ટિફિન લઈને નોકરીએ જતો અને રાત્રે માણસા જઈને સૂઈ જતો હતો.
આમને આમ ચાલતું રહેતા પરિણીતાએ વિરોધ કરતા પતિ મારઝૂડ કરીને જુલાઈ – 2023 માં પોતાનો સામાન લઈને માણસા રહેવા જતો હતો. અને આજદિન સુધી સમાધાન કરી તેડી ગયો ન હતો. ત્યારે પતિએ ત્રીજા લગ્ન કરવા માટે જીવનસાથી મેટ્રોમની સાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવી 5 વર્ષથી ડીવોર્સી હોવાનું દર્શાવી નવા પાત્રની શોધખોળ કરવામાં આવતી હોવાની જાણ પરિણીતાને થઈ ગઈ હતી. જેનાં પગલે પરિણીતાએ પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.