ગાંધીનગરનાં ચીલોડા – હિંમતનગર હાઇવે પર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 300 બોટલો સાથે ડ્રાઈવરને ઝડપી લઈ કુલ રૂ. 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરતા દારૂનો જથ્થો ચીલોડા નજીક પહોંચાડવાનો હોવાનું ખુલવા પામ્યું છે.
ગાંધીનગર એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ વિદેશી દારૂની હેરાફેરી થતી અટકાવવા તાબાનાં પોલીસ અધિકારીઓને સૂચનાઓ અપાવવાના આવેલી છે. જે અન્વયે એલસીબી પીઆઈ એચ પી પરમારની ટીમ ચીલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળેલી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલી સફેદ કલરની ગાડી હિંમતનગરથી ચીલોડા તરફ જવાની છે.
જે હકીકતના આધારે પોલીસે ગીયોડ બ્રીજના છેડે હિંમતનગર થી ચિલોડા તરફ જતા રોડ ઉપર આડાશો કરી વોચ ગોઠવી દેવામાં આવી હતી. બાદમાં બાતમી મુજબની ગાડી આવી પહોંચતા ઈશારો કરીને રોકી દેવાઈ હતી. જેમાં ડ્રાઈવર સીટ ઉપર બેઠેલ ઈસમને દબોચી લેવાયો હતો. અને પોલીસે કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ડ્રાઇવરની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ લલીત મણીલાલ મીણા (રહે. પાલદેવલ, મણાતફલા, તા. દેવલ, જી.ડુંગરપુર) હોવાનુ જણાવ્યુ હતું. જો કે જાહેરમાં દારૂનો જથ્થો ગણવો હિતાવહ નહીં હોવાથી મહિન્દ્રા ગાડીને એલસીબી કચેરીએ લઈ જવાઈ હતી. બાદમાં દારૂની પેટીઓની ગણતરી કરતા અંદરથી 56 હજારની કિંમતની અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની 300 બોટલો/ટીન હોવાનું સામે આવ્યું હતું. જે અંગે કડકાઈથી પૂછતાંછ કરતાં ડ્રાઇવરે કબૂલાત કરેલી કે, તેના સંપર્કવાળા અર્જુનસિંહ નામના ઈસમે ફોન કરીને વિદેશી દારૃ ભરેલી ગાડી મોકલી આપી હતી. આ દારૂનો જથ્થો ચીલોડા નજીક પહોંચતા તેનો માણસ લેવા આવવાનો હતો. જેનાં પગલે પોલીસે દારૃના જથ્થા સહિત કુલ રૂ. 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.