ગુજરાતમાં કોંગ્રેસને સિંગલ ડિજિટ પર મોકલી દઈ લોકસભામાં જીતની હેટ્રિક ફટકારવાના સપનાં જોતી ભાજપે 5 લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે. હવે સીઆર પાટીલ મેં કરી દેખાડ્યું હવે તમે કરી બતાવોની જીદ લઈને બેસતાં ભાજપના નેતાઓ પણ મૂંઝાઈ ગયા છે. ભાજપે ઓપરેશન લોટસ શરૂ કરીને આ ટાર્ગેટની આડે આવતા નેતાઓને ભાજપનો કેસરિયો પહેરાવી લક્ષ્યાંકને પૂરો કરવા માટે કમરકસી છે.
હાલમાં ભાજપના નેતાઓ અને સીએમ સહિત ગામડાઓના પ્રવાસે છે. ભાજપ સારી રીતે જાણે છે કે મેટ્રો અને મેગા શહેરો એ ભાજપનો ગઢ છે. 5 લાખની લીડથી જીતવું હશે તો ગામડાઓને લક્ષ્યાંક બનાવવા પડશે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ઘણો તફાવત છે અને ભાજપના નેતાઓ સારી રીતે જાણે છે કે એટલે ગાંવ ચલે કાર્યક્રમ લોન્ચ કરાયો છે. બની શકે કે હજું ખાટલા બેઠકો પણ યોજાય…ભાજપ કોઈ પણ સંજોગોમાં લોકસભામાં જીતની હેટ્રીક એ પણ 5 લાખની લીડથી જીતવા માગે છે. ભાજપ પાસે સત્તા અને સંગઠનનો પાવર છે આ શક્ય નથી પણ ભાજપ માટે અશક્ય પણ નથી. કેટલાક નેતાઓએ પાટીલના આ લક્ષ્યાંકને અઘરો ગણાવ્યો છે પણ સૌ કોઈ જાણે છે કે જીતવું હશે તો ટાર્ગેટ હંમેશાં ઉંચો રાખવો પડશે.
ગુજરાતની 26 લોકસભાની બેઠકમાં 20 સીટો પર ઉમેદવારો બદલાય તેવી પૂરી સંભાવનાઓ વચ્ચે ભાજપે કાર્યોલયો ખોલીને ચૂંટણી પ્રચાર તો શરૂ કરી દીધો છે પણ મૂરતિયાં ફેબ્રુઆરીના અંત સુધી ફાયનલ થશે. હાલમાં અમિત શાહ ગુજરાતમાં હોવાથી રાજ્યસભાની બેઠકના 4 ઉમેદવારોના નામ 14મી સુધી જાહેર થઈ જશે. ગુજરાતના 2 મંત્રીઓના નામ પણ ફાયનલ ન હોવાથી ભાજપમાંથી રાજ્યસભામાં કોણ જશે એ ઉચાટનું કારણ છે. રૂપાલા અને માંડવિયાનું નામ લોકસભાની બેઠકો માટે ચર્ચાઈ રહ્યું છે. આ બંને નેતાઓ સૌરાષ્ટ્ર અને પાટીદાર સમાજ સાથે સંકળાયેલા છે. હાલમાં જો અને તો ના નામો વહેતા થઈ રહ્યાં છે પણ સૌ કોઈ જાણે છે કે કોથળામાંતી બિલાડું નીકળે એમ નવા નામો જાહેર થશે. ભાજપનો ભૂતકાળ રહ્યો છે કે ચર્ચાતા નામ ક્યારેય જાહેર થયા નથી.
ગુજરાતમાં હાલમાં રાજ્યસભા સાથે લોકસભાની તૈયારીઓ માટે પણ ભાજપે કમરકસી છે. સીઆર પાટીલ છેલ્લી બે ચૂંટણી 5 લાખની લીડથી જીત્યા છે. એટલે મેં તો કરી દેખાડ્યું હવે તમારો વારો છે એમ જણાવી ભાજપ સામે ઉંચો ટાર્ગેટ મૂક્યો છે. ગત વખતે પણ ભાજપે ભારે માર્જીનથી બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો . ભાજપની લહેર હોવા છતાં ગુજરાતમાં દસેક બેઠકો એવી હતી જ્યાં બે લાખની આસપાસ જ લીડ મળી રહી હતી. ભાજપ માત્ર સુરત, નવસારી, ગાંધીનગર અને વડોદરા એમ ચાર બેઠકો જ પાંચ લાખથી વધુના માર્જીનથી જીતી શકી હતી. નવસારી બેઠક પર સી.આર.પાટીલ 6.89 લાખ, વડોદરા બેઠક પરથી રંજન ભટ્ટ 5.89 લાખ, ગાંધીનગર બેઠક પર અમિત શાહ 5.57 લાખ અને સુરત બેઠક પર દર્શના જરદોશ 5.48 લાખના મતની લીડથી વિજયી થયા હતાં.
11 બેઠક એવી હતી જ્યાં ભાજપને 1.27 થી 2.81 લાખ મતની સરસાઇ મળી હતી. જેમાં દાહોદમાં 1.27 લાખ, જૂનાગઢમાં 1.50 લાખ, પાટણમાં ભાજપને 1.93 લાખ, આણંદમાં 1.97 લાખ તેમજ અમરેલીમાં ભાજપના ઉમેદવાર 2.01 લાખ મતની સરસાઈથી વિજેતા થયા હતા. આ સિવાય બારડોલીમાં 2.15 લાખ, પોરબંદરમાં 2.29 લાખ, જામનગરમાં 2.36 લાખ અને સાબરકાંઠામાં 2.68 લાખ મતથી ભાજપના લોકસભાના ઉમેદવાર વિજેતા બન્યા હતા. આ સિવાય ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી સુરેન્દ્રનગરમાં 2.77 લાખ, મહેસાણામાં મહિલા ઉમેદવાર 2.81 લાખ મતથી વિજેતા થયા હતા. આ તમામ બેઠકો એ ભાજપનો ગઢ ગણાય છે.
હવે આ લોકસભામાં ભાજપ કેવો કમાલ દેખાડશે એ તો આગામી સમય જ બતાવશે પણ ઘણા નેતાઓને આ ઉંચા ટાર્ગેટથી ટેન્શનમાં મૂકાયા છે. કારણ કે ગત લોકસભામાં માંડ 15 બેઠકોમાં 1 લાખથી વધારે લીડ હતી. હવે ભાજપે 26 બેઠકો પર 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે.