પ્રાંતિજમાં સર્જાયેલી જૂથ અથડામણ અને હત્યાના મામલે પ્રાંતિજ પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હત્યાના મુખ્ય આરોપી મુનાફ સહિત ત્રણેયને ઝડપી લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 15 આરોપીઓને ઝડપી લીધા છે. ગત બુધવારે રાત્રે એટલે કે 14 ફેબ્રુઆરીએ પ્રાંતિજ બારકોટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં આધેડ રાજેશ રાઠોડનું મોત નિપજ્યુ હતુ.
અથડામણ દરમિયાન રાજેશ રાઠોડના માથાના ભાગે પાઇપ ફટકારીને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. હિંમતનગર DySP અતુલ પટેલ અને તેમની ટીમ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ માટે 17 આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ શરુ કરી હતી. જેમાં પ્રથમ 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. ત્યાર બાદ શનિવારે વધુ 9 આરોપીઓને પોલીસે ઝડપી લઈને જેલના હવાલે કર્યા હતા. ત્યાર બાદ હવે વધુ ત્રણ આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.