ભારતના પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં મોંઘવારી પાડીને તૈયાર થઈ ગઈ હોય તેમ ઘઉંના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે એક કિલો ઘઉંના હાલના ભાવ રૂા. 60 હતા. પાકિસ્તાનના ઈતિહાસમાં ઘઉંના આ સૌથી ઊંચા ભાવ હતા. ગયા વર્ષના ડિસેંબરમાં ઘઉંના ભાવ વધવાની શરૂઆત થઇ ગઇ હતી. એ સમયે ઘઉંના ભાવ કિલો રૂા.40 હતા. આજે કિલોએ રૂા.60 બોલાય છે.
ઇમરાન ખાનની સરકારે એક કરતાં વધુ વખત જીવનજરૂરી ચીજો અને ખાસ તો અનાજ વાજબી ભાવે સૌને મળી રહે એવી વ્યવસ્થા કરવાની ખાતરી ઉચ્ચારી હતી પરંતુ એ ખાતરી નો અમલ થઈ શક્યો નથી. લોકો રાડ પાડી ઉઠ્યા હતા. આટલો ભાવ આમ આદમીને પરવડે નહીં એવી બૂમ પડી હતી. સરકારે ઘઉંના ભાવ વધવા માટે આટા મિલોને જવાબદાર ગણાવી હતી. ઓલ પાકિસ્તાન ફ્લોર એસોસિયેશન સરકારના આ દાવાને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે સિંધમાં લણણીની સીઝન શરૂ થઇ ચૂકી છે અને પંજાબમાં આવતા મહિને શરૂ થશે. સરકારે તત્કાળ ઘઉંના ભાવ નક્કી કરીને સત્તાવાર જાહેરાત કરી દેવી જોઇએ. ખેડૂતોએ એવી માગણી કરી હતી કે સર્ટીફાઇડ બીજ ના ભાવ સરકાર તાબડતોબ નક્કી કરે અને ખાસ તો આવતા 24 કલાકમાં પચાસ કિલો બીજની બોરીના ભાવ ઠરાવે.
ફ્લોર એસોસિયેશને કહ્યું હતું કે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા અમને જવાબદાર ગણાવતી હતી, ઇમરાન સરકારે એવો દાવો કર્યો હતો કે રશિયાથી બે લાખ મેટ્રિક ટન ઘઉંની આયાત કરાય છે. એકાદ દોઢ માસમાં એ ઘઉં આવી જાય એટલે ઘઉંના ભાવ અંકુશમાં આવી જશે. હકીકત એ છે કે કોરોના આવ્યો એ પહેલાંથી પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ થઇ ચૂક્યું હતું. દરમિયાન, કોરોના વાઇરસ ત્રાટકયા અને બીજી બાજુ પાકિસ્તાનનાં ખેતરોમાં તીડનું આક્રમણ થયું એટલે ઊભા પાકને જબરદસ્ત નુકસાન થયું હતું. સેંકડો એકર જમીનમાં પાક નષ્ટ થઇ ગયો હતો. ત્યારે અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી હતી કે આ વર્ષે પાકિસ્તાન માટે ખાદ્ય સંકટ લાવનારું બની રહેશે.