રાજ્યસભામાં ગુજરાત વિધાનસભાના પ્રતિનિધિ તરીકે છઠ્ઠી એપ્રિલે ખાલી પડનારી ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બીનહરિફ વિજેતા થઈ ચૂક્યા છે.
અલબત્ત અધિકૃતપણે તેની ઘોષણા મંગળવારે થશે. આ ચાર ઉમેદવારોમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તો પહેલાથી રાજ્યસભાના સાંસદ છે. એથી તેઓ છઠ્ઠી એપ્રિલ સુધી સાંસદ યથાવત રહેશે અને ત્યારપછી નવેસરથી શપથ લઈને આ પદે બરકરાર રહેશે. પરંતુ, તે સિવાય ગોવિંદ ધોળકીયા, મયંક નાયક, ડો. જશવંતસિંહ પરમારને સાંસદ, રાજ્યસભાના સભ્ય તરીકે અધિકૃત ઓળખ મેળવવા સવા મહિના સુધી રાહ જોવી પડશે ! રાજ્યસભામાં જે ચાર બેઠકો ખાલી થઈ રહી છે તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરસોત્તમ રૂપાલા તેમજ કોંગ્રેસમાંથી ડો.અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. ચારેય સાંસદોની ટર્મ છઠ્ઠી એપ્રિલ 2024ના રોજ પૂર્ણ થાય છે. પાર્લામેન્ટરી પ્રોસેડિંગના શબ્દોમાં રિટાર્યડમેન્ટ તરીકે પ્રચલિત આ અવધિ પૂર્ણ થાય તેના એક-બે દિવસોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ચૂંટાયેલા નવા સભ્યોની શપથવિધી યોજાય છે. આથી, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા આ ચારેય સાંસદોની નિવૃતિના આગળ પાછળના દિવસે ગોવિંદ ધોળકીયા, મયંક નાયક અને ડો. જશવંતસિંહ પરમારને રાજ્યસભાના સાંસદ તરીકે પદ અને ગોપનિયતાની શપથ લેવડાવામાં આવશે. માટે ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરનારા ત્રણેયને સાંસદની ઓળખ છેક એપ્રિલ મહિનાના આરંભે ઉપલબ્ધ થઈ શકશે. ત્યાં સુધી આ ત્રણેય માત્ર બિન હરિફ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ રહેશે ! અત્રે નોંધવુ અનિવાર્ય છે કે, જે.પી.નડ્ડા પહેલાથી જ હિમાચલ પ્રદેશ વિધાનસભાના પ્રતિનિધિ તરીકે રાજ્યસભાના સાંસદ છે. હવે તેઓ ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરશે.જ્યાં સુધી રાજ્યસભાના અધ્યક્ષ નવા ચૂંટાયેલા સભ્યને સાંસદ તરીકે શપથ અપાવે નહી ત્યાં સુધી સાંસદ તરીકેનો પ્રોટોકોલ, વિશેષાધિકાર સહિતના લાભ મળી શકતો નથી. આથી, નડ્ડા સિવાયના ત્રણેય બિનહરીફને હજી એપ્રિલના પહેલા સપ્તાહ સુધી રાહ જોવી પડશે.